વડોદરામાં હરણી તળાવમાં હોડી પલટવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. વડોદરાના વાઘોડીયાની ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હરણી તળાવની હોડીમાં સવાર હતા ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ વાલીઓએ હૈયા ફાટ રૂદન કર્યુ હતુ. જ્યાં પ્રત્યક્ષ જોનારના કાળજા કાંપી ઉઠ્યા હતા. હરણી તળાવમાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકોના મોત નિપજ્યા હતા. જેમાં કુલ 14 મૃતકનું પોસ્ટમોર્ટમ કરી કુલ 11 મૃતકના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. હજી 3 મૃતકોના મૃતદેહ પીએમ રૂમમાં રહ્યાં છે. એક મહિલા શિક્ષક અને બે વિદ્યાર્થીના મૃતદેહ પીએમ રૂમમાં છે. ટૂંક સમયમાં આ ત્રણેય મૃતકના મૃતદેહ પણ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે.
મળતી માહિતી મુજબ સ્કૂલ દ્વારા કેજીથી માંડીને ધોરણ 6ના કુલ મળીને 82 વિદ્યાર્થીઓને લેકઝોન ખાતે પ્રવાસે લઈ જવાયા હતા. જેમાં કેટલાક તો ખુબ જ નાના બાળકો હતા.તેમની સાથે સ્કૂલના આચાર્ય તેમજ શિક્ષકો સહિત ૧૦ લોકોનો સ્ટાફ પણ હતો.ડીઈઓ કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડનેન્ટના જણાવ્યા અનુસાર સ્કૂલ દ્વારા આ પ્રવાસ માટે કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી.ઉલ્લેખનીય છે કે નિયમ પ્રમાણે કોઈપણ સ્કૂલે ડીઈઓ કચેરીની મંજૂરી લેવાની હોય છે. અને બીજા પણ નિયમોનુ પાલન કરવાનુ હોય છે.ઓફિસ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતુ કે સ્કૂલ સંચાલકો સામે જે પણ યોગ્ય કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવશે.
ત્યારે હવે આ બનાવમાં પોલીસે 18 લોકો સામે ફરિયાદ નોંધી છે. અને ક્રાઇમ બ્રાન્ચે ત્રણ લોકોની અટકાયત કરી છે. તો આ ઘટનામાં સામે આવ્યુ છે કે 15 લોકોને બેસાડવાની કેપેસિટી સામે 31ને બેસાડ્યા હતા. જેમાં સંતુલન ગુમાવતા બોટ પલટી હતી.બોટમાં પુરતી માત્રામાં લાઇફ જેકેટ પણ ન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાયું હતું.