ખાલિસ્તાન સમર્થક અને શીખ ફોર જસ્ટિસના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપી છે. આ વખતે પન્નુએ ઓડિયો મેસેજ દ્વારા ધમકી આપી છે. આ ઓડિયોમાં કહેવામાં આવ્યું છે કે પોલીસે અયોધ્યામાં બે ખાલિસ્તાન સમર્થક યુવકોની ધરપકડ કરી છે. અને તેમની પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. તેની સામે ખોટો કેસ કરવામાં આવી રહ્યો છે.
સીએમ યોગીની હત્યાની ધમકી આપતા ઓડિયો મેસેજમાં ભાગેડુ આતંકવાદી પન્નુએ કહ્યું કે રામ મંદિરના કાર્યક્રમમાં તેમને કોઈ બચાવી શકશે નહીં. હવે આ ધમકી બાદ યુપી પોલીસ એલર્ટ મોડ પર છે અને સીએમ યોગીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે, આ પહેલીવાર નથી જ્યારે પન્નુએ યુપીના મુખ્યમંત્રી યોગીને મારી નાખવાની ધમકી આપી હોય. તમને જણાવી દઈએ કે 2022માં પણ પન્નુએ ધમકી આપી હતી અને કહ્યું હતું કે, “અમે સીએમ યોગીને 15 ઓગસ્ટે લખનૌ વિધાન ભવનમાં ધ્વજ ફરકાવવા નહીં દઈએ.”
ઉલ્લેખનીય છે કે 16 જાન્યુઆરીએ જ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના સંસ્થાપક અને અમેરિકા સ્થિત આતંકવાદી ગુરપતવંત સિંહ ‘પન્નુ’એ પંજાબના સીએમ ભગવંત માનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હકીકતમાં, પન્નુને જુલાઈ 2020 માં જ ભારત સરકારે ‘આતંકવાદી’ જાહેર કર્યા હતા.