અયોધ્યામાં રામમંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આ દરમિયાન વિશ્વભરમાંથી શ્રી રામ મંદિરને ભેટ આવી રહી છે. જેમાં અફઘાનિસ્તાન પણ સામેલ છે. સમાચાર એજન્સી ANIના અહેવાલ મુજબ, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોક કુમારે કાશ્મીર, તમિલનાડુ અને અફઘાનિસ્તાનથી મળેલી ભેટ શ્રી રામ મંદિરના યજમાન અનિલ મિશ્રાને સોંપી છે.
આ તકે આલોક કુમારે દાવો કર્યો છે કે શ્રી રામ મંદિરના નિર્માણથી મુસ્લિમ સમુદાય પણ ખુશ છે. તેમણે કહ્યું કે “કાશ્મીરના મુસ્લિમ ભાઈઓ અને બહેનો મને મળવા આવ્યા હતા. અને રામ મંદિરના નિર્માણ પર ખુશી વ્યક્ત કરી હતી. અને કહ્યું હતું કે ભલે અમે અલગ-અલગ ધર્મોને અનુસરીએ છીએ. અમારા પૂર્વજો એક જ છે. તેમણે 2 કિલો ઓર્ગેનિક શુદ્ધ કેસર રામમંદિર માટે આપ્યુ છે.
આલોક કુમારે જણાવ્યું કે દુનિયાના અન્ય દેશો ઉપરાંત તેમને અફઘાનિસ્તાન તરફથી પણ ખાસ ભેટ મળી છે. કાબુલ નદીનું પાણી, જેને સ્થાનિક ભાષામાં “કુભા” કહેવામાં આવે છે. શ્રી રામ મંદિરમાં ભગવાન રામના અભિષેક માટે ભેટ તરીકે પ્રાપ્ત થયું છે. આલોક કુમાર કહે છે “તામિલનાડુના સિલ્ક ઉત્પાદકોએ શ્રી રામ મંદિરના ચિત્ર સાથે વણાયેલી સિલ્કની ચાદર મોકલી છે. શ્રી રામના ‘અભિષેક’ માટે અફઘાનિસ્તાનથી કુભા એટલે કે કાબુલ નદીનું પાણી મોકલવામાં આવ્યું છે.”
અયોધ્યાથી મળતી માહિતી મુજબ પ્રાણ પ્રતિષ્ઠા વિધિના ચોથા દિવસે શુક્રવારે સવારે 9 વાગ્યે નિયત સમયે વૈદિક મંત્રોના જાપની વચ્ચે અરણિ મંથન પદ્ધતિથી અગ્નિદેવને પ્રગટ કરીને વિધિની શરૂઆત કરવામાં આવી હતી. આ પદ્ધતિમાં શમી અને પીપળના લાકડાના ઘર્ષણથી આગ ઉત્પન્ન થાય છે. શ્રી રામ લલ્લાની મૂર્તિના અભિષેક સમારોહમાં તિરુમાલા દેવસ્થાનમ ટ્રસ્ટ દ્વારા એક લાખ (ત્રણ ટન) મહાપ્રસાદ (લાડુ)નું વિતરણ કરવામાં આવશે.