નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી- NFSU ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ‘સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ’ અને ‘બિહેવિયરલ ફોરેન્સિક્સ’ વિષયક ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા ‘પાંચમું ઈન્ટરનેશનલ અને ૪૪મા ઓલ ઇન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સ એન્ડ સ્ટેટ-ઓફ -ધ-આર્ટ સેન્ટર ઓફ એક્સેલેન્સ ઈન ડિજિટલ ફોરેન્સિક્સ’નો શુભારંભ પણ કરાયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે, વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં ગુનાઓના નિયંત્રણ અને ડિટેક્શન માટે ભારતની ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિશ્વની સૌથી આધુનિક ક્રિમિનલ જસ્ટીસ સિસ્ટમ બનાવવાનો મક્કમ નિર્ધાર અમે કર્યો છે. જે આગામી પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.
મંત્રી શાહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા ૧૦ વર્ષમાં વિવિધ ક્ષેત્રોએ ૫૦થી વધુ પરિવર્તનકારી નિર્ણયો કર્યા છે. તેમણે કહ્યું કે, ભારતીય ક્રિમીનલ જસ્ટીસ હવે નવા યુગમાં પ્રવેશી છે.બ્રિટિશ કાળના ૧૫૦ વર્ષ જૂના આઇ.પી.સી., સી.આર.પી.સી. અને પુરાવા અધિનિયમના સ્થાને નવા કાયદા અમલી બનાવ્યા છે. જે આગામી સમયમાં ગુનેગારોને ગુનો કરતાં તો રોકશે જ, તેની સાથોસાથ સજામાં પણ વધારો કરશે. એટલુ જ નહિ, ફોરેન્સિકના માધ્યમ દ્વારા ગુનાની તપાસમાં પણ વધુ ઝડપ આવશે અને કન્વીક્શન રેટમાં નોંધપાત્ર વધારો થશે.
આ કાયદામાં સૌથી પહેલા મહિલાઓ અને બાળકોના સામે થતાં અપરાધ અટકાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્રણ કાયદામાં ૧૦૦ વર્ષમાં આવનાર ટેકનોલોજીને ધ્યાને લઇને તેમાં ફેરફાર કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ન્યાય પ્રણાલી વધુ મજબૂત બનશે અને ત્રણ વર્ષમાં પડતર FIRનો ઉકેલ આવશે. અત્યારે ઇ-ગવાહીના પરિણામે તેઓના ઉકેલ લાવવામાં ખૂબ ઝડપ આવી છે. આ ત્રણ કાયદામાં ફોરેન્સિક સાયન્સનો મહત્તમ ઉપયોગ થવાનો છે જેનો અભ્યાસ તમને આ ક્ષેત્રે ભરપૂર નવીન તકો ઉપલબ્ધ કરાવશે.
કેન્દ્રીય મંત્રી શાહે ઉમેર્યુ કે, કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિ અમલી બનાવી છે. જે પૂર્ણ રીતે ભારતીય શિક્ષણ વ્યવસ્થાના આધાર પર વૈશ્વિક સ્તરની બની છે. ગુનાઓના સંશોધનો–તપાસમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધારવાનો અમે ઐતિહાસિક નિર્ણય કર્યો છે અને ફોરેન્સિક તપાસને ગુનાની તપાસનો એક ભાગ બનાવ્યો છે. જેના પરિણામે આગામી સમયમાં વ્યાપક રોજગારીનું નિર્માણ થશે. આગામી પાંચ વર્ષ પછી પ્રતિ વર્ષ ૯૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે રોજગારી મળતી થશે.