બિહારના રાજકારણમાં છેલ્લા બે દિવસથી દ્રામા ચાલી રહ્યો છે. જેનો અંત આજે આવી શકે છે. મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજીનામું આપી શકે છે તેવી શક્યતા છે. અને ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર બનાવવાની જાહેરાત કરી શકે તેવું ચર્ચાઇ રહ્યુ છે. તો આ તરફ બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ યાદવ તેમના પુત્ર તેજસ્વીને મુખ્યમંત્રી બનાવવા માટે તમામ પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બિહારના રાજકારણમાં ત્રણેય પક્ષો વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આ વખતે ભાજપ પોતાની શરતો પર નીતીશને ગઠબંધનમાં સામેલ કરવા માંગે છે.
મહત્વનું છે કે નિતીશ કુમાર 18 વર્ષથી બિહારમાં સત્તા પર રહ્યા છે. રાજ્યમાં મહાગઠબંધનની સરકાર પડી ગયા બાદ આજે તેઓ ભાજપ સાથે મળીને સરકાર બનાવવાની જાહેરાત કરી શકે છે. જો આમ થશે તો નીતિશ 18 વર્ષમાં 9મી વખત સીએમ તરીકે શપથ લેશે.
ઉલ્લેખનીય છે કે પટનાના ગાંધી મેદાનમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન નીતિશ કુમાર અને તેજસ્વી યાદવની એક તસવીર વાયરલ થઈ છે. આ ફોટોમાં બંને નેતાઓ એકબીજાથી 5 ફૂટના અંતરે જોવા મળ્યા હતા. તો આ તરફ નીતીશ રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી ચા પાર્ટી માટે રાજભવન પહોંચ્યા પરંતુ તેજસ્વી યાદવ પહોંચ્યા નહીં. જે બાદ અટકળોએ વધુ જોર પકડ્યું હતું.
સરકાર પર ખતરો મંડરાયેલો જોઈને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવ બિહારમાં મહાગઠબંધન સરકારને બચાવવામાં વ્યસ્ત છે. સુત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી નીતિશ કુમારને લગભગ 5 વખત ફોન કર્યો હતા. પરંતુ મુખ્યમંત્રીએ તેમની સાથે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.સાથે જ આરજેડીમાં બેઠકોનો દોર તો ચાલુ જ છે. સૂત્રોને જણાવ્યા પ્રમાણે આરજેડી જીતન રામ માંઝીને મનાવવાનો પ્રયાસ કરી રહી છે. લાલુ પ્રસાદ યાદવે જીતનરામ માંઝીને ઓફર કરી છે કે જો તેઓ તેજસ્વીને સીએમ બનવામાં મદદ કરશે તો તેઓ માંઝીના પુત્રને ડેપ્યુટી સીએમ બનાવશે.