પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા મોંઘવારી આસમાન પહોંચી છે. લોકો માટે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે પાકિસ્તાનના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં લોકો ઘઉંના ભાવના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં બે વખતની રોટલી માટે તડપતા લોકોને ચૂંટણી પહેલા જ ભારે ફટકો પડ્યો છે. સરકારે સબસિડીવાળા ઘઉંના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં હજારો નારાજ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.
ગુસ્સે ભરાયેલા લોકોએ ગિલગિટ-બાલ્ટિસ્તાનના તમામ જિલ્લાઓ અને શહેરોમાં રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. અને માત્ર રસ્તાઓ જ બ્લોક કર્યા ન હતા. પરંતુ શહેરોમાં તમામ દુકાનો બળજબરીથી બંધ કરાવી હતી. જેના કારણે સમગ્ર ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં જનજીવન થંભી ગયું છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ઈતિહાસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહી છે. અને તેની સાથે મોંઘવારી, બેરોજગારી, કાળાબજારી તેની સમસ્યાનું જડ છે. ત્યારે હવે પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા લોકોની ધીરજ ખૂટી રહી છે.
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. અને દેશ દેવા ટળે દબાય ગયો છે. સ્થિતિ એટલી ખરાબ છે કે હવે અન્ય દેશોએ પાકિસ્તાન સરકારને લોન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તાજેતરમાં જ વીજળીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. અને હજારો રૂપિયાના વીજ બિલો લોકોના ઘરે પહોંચી રહ્યા હતા. ભારે વિરોધ બાદ સરકારે આદેશ પાછો ખેંચવો પડ્યો હતો. હવે હજારો પાકિસ્તાની નાગરિકો માટે ઘઉંના ભાવ પડકારરૂપ બન્યા છે. જેને લઇ લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.