સરકાર 25 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે ‘ભારત ચોખા’ રજૂ કરવાનું વિચારી રહી છે તેવા સમાચાર વચ્ચે, નાફેડ ઈન્ડિયાએ ટ્વીટ કર્યું કે ખૂબ જ જલ્દી ‘ભારત ચાવલ’ તમારી પ્લેટમાં પીરસવામાં આવશે.
મોદી સરકારે ગરીબ લોકો માટે મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત ભારત ચોખા માત્ર 25 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. આ ઉપરાંત કઠોળ પણ રાહત ભાવે વેચવામાં આવશે. વધતી જતી ખાદ્ય મોંઘવારીને નિયંત્રણમાં લાવવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.
‘ભારત ચોખા’નું વેચાણ સરકારી એજન્સીઓ જેમ કે NAFED, નેશનલ કો-ઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) અને કેન્દ્રીય ભંડાર જેવા કેન્દ્રીય સ્ટોર્સ દ્વારા કરવામાં આવશે. હાલમાં, ભારત ઘઉંનો લોટ અને ચણાની દાળ 27.50 રૂપિયા પ્રતિ કિલો અને 60 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે વેચાઈ રહી છે. ઘઉંનો લોટ અને ચણા દાળ 2000થી વધુ રિટેલ પોઈન્ટ પર વેચાઈ રહી છે.
રાહત દરે ચોખા, કઠોળ અને લોટ વેચવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે. જ્યારે ખાદ્યપદાર્થોની કિંમતો વધી રહી છે. ડિસેમ્બર મહિનામાં છૂટક ખાદ્ય ફુગાવાનો દર વધીને 9.53 ટકા થયો છે, જે નવેમ્બર મહિનામાં 8.7 ટકા હતો. છૂટક ફુગાવાનો દર 5.69 ટકા રહ્યો.