ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વારંવાર આપવામાં આવેલી નોટિસો છતાં તેઓ હાજર ન થતા અને જવાબ ન આપવાને કારણે EDની ટીમ આજે વહેલી સવારે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને પહોંચી હતી. EDની ટીમ આવ્યા બાદ દોડધામ વધી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોરેન આવાસમાં જ હાજર છે. અને જો ED જરૂર જણાશે તો આજે તેની ધરપકડ કરી શકે છે.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન કથિત જમીન કૌભાંડ કેસમાં શંકાના દાયરામાં છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે સોરેને પોતે એજન્સીને પૂછપરછ માટે સમય આપ્યો હતો કે પછી તેમના નિવાસસ્થાને અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. અગાઉ 20 જાન્યુઆરીના રોજ EDએ સોરેનની રાંચીમાં તેમના નિવાસસ્થાને સાત કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી.
ઝારખંડની સત્તાધારી પાર્ટી જેએમએમના કાર્યકરો છેલ્લા ઘણા દિવસોથી પોતાનો ગુસ્સો વ્યક્ત કરવા માટે રસ્તાઓ પર આવી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને રાંચીમાં પણ સોરેનના ઘરની આસપાસ સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. તે જ સમયે દિલ્હીમાં શાંતિ નિકેતન સ્થિત તેમના નિવાસસ્થાન પર દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળોની તૈનાતીને જોતા સોરેનની ધરપકડની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 22 જાન્યુઆરીએ હેમંત સોરેનને સમન્સ મોકલ્યા હતા. અને 27 થી 31 જાન્યુઆરી વચ્ચે પૂછપરછ માટે સમય માંગ્યો હતો. આ પછી મુખ્યમંત્રીએ EDને પત્ર મોકલીને પૂછપરછ માટે સમય માંગ્યો હતો. આ પછી EDએ 25 જાન્યુઆરીએ ફરીથી મેઇલ દ્વારા સીએમને 29 અથવા 31 જાન્યુઆરીએ પૂછપરછ માટે સમય આપવા જણાવ્યું હતું. એજન્સીએ એમ પણ કહ્યું છે કે જો સીએમ સમય નહીં આપે તો તપાસ અધિકારી તેમની પાસે આવીને પૂછપરછ કરશે.