છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં સરકારી હેડ માસ્તર ધર્માંતરણનો પ્રયાસ કરી રહ્યા છે. આનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં સરકારી શિક્ષકો બાળકો અને યુવાનોને હિંદુ ધર્મ વિરુદ્ધ ઉશ્કેરતા જોવા મળી રહ્યા છે. આ સમગ્ર મામલો બિલાસપુર જિલ્લાના ભરરીની રતનપુર સરકારી પ્રાથમિક શાળાનો છે.
લગભગ 4 મિનિટથી વધુ સમયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિક્ષક રતનલાલ સરોવર કેટલાક બાળકો અને યુવાનોને હિંદુ દેવી-દેવતાઓમાં ન માનવાની શપથ લેવડાવતા સાંભળવામાં આવે છે. રતનલાલ સરોવર જિલ્લાના ભરરીની રતનપુર સરકારી પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે પોસ્ટેડ છે. વીડિયોમાં હેડ માસ્ટર બાળકોને શપથ લેવડાવ્યા હતા કે ‘હું બ્રહ્મા, વિષ્ણુને ભગવાન નહીં માનીશ અને તેમની પૂજા નહીં કરીશ, હું હિન્દુ ધર્મના કોઈ પણ દેવી-દેવતામાં વિશ્વાસ નહીં કરું.’
ત્યારે આ સમગ્ર ઘટનાને સ્થાનિક ન્યુઝ ચેનલોએ સતત ચલાવતા શિક્ષણ વિભાગે સમગ્ર મામલાની નોંધ લઈ કડક વલણ અપનાવ્યું હતું. કાર્યવાહી કરતા શિક્ષણ વિભાગે હેડ માસ્તર રતનલાલ સરોવરને સસ્પેન્ડ કરી દીધા હતા. રતનલાલ સરોવરને સ્થગિત કરવાનો આદેશ પણ જારી કરવામાં આવ્યો છે. આ મામલે ખાતાકીય તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.