જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના ભોંયરામાં દર્શન પૂજા કરવાની મંજુરી મળતા સનાતનીઓમાં ખુશીનો માહોલ છે. ત્યારે સંત સમાજની સાથે કાશી વિદ્વત પરિષદના અધિકારીઓએ પણ પૂજા અર્ચના શરૂ કરી દિઘી છે.તો આ તરફ કાશી વિદ્વત પરિષદે વ્યાસજીના ભોંયરાને નવું નામ જ્ઞાન તાલગૃહ આપ્યું છે. અને કહ્યું કે તે ભોંયરું નથી, હવે તે માત્ર જ્ઞાન તલગૃહ તરીકે ઓળખાશે. અખિલ ભારતીય સંત સમિતિએ પણ આને મંજૂરી આપી હતી. તેની સાથે જ પાંચ વાગ્યાની આરતીનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. પ્રથમ આરતી સવારે 3:30 કલાકે થશે.
જ્ઞાન તાલગૃહમાં દરરોજની શરૂઆત મંગળા આરતીથી થશે. મંગળા આરતી – સવારે 3:30 કલાકે, ભોગ આરતી – બપોરે 12 કલાકે, બપોરે – 4 કલાકે, સાંજે – 7 કલાકે અને શયન આરતી – રાત્રે 10:30 કલાકે કરાશે. અગાઉ, જ્ઞાનવાપી સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા માટેના આદેશ પછી, ફરિયાદી શૈલેન્દ્ર પાઠક બુધવારે સાંજે જિલ્લા મેજિસ્ટ્રેટ એસ રાજલિંગમને મળ્યા હતા અને દેવી-દેવતાઓની પ્રાર્થના કરવા માટે તાત્કાલિક પરવાનગી માંગી હતી.
ઉલ્લેખનીય છે કે ભોંયરાના રીસીવર જિલ્લા મેજિસ્ટ્રેટ છે.તેથી મૂર્તિને ભોંયરામાં સ્થાપિત કરવામાં આવી હતી. અને પૂજા શરૂ કરવામાં આવી હતી. મૂર્તિની પસંદગી માટે વહીવટીતંત્રે ASIનો અભ્યાસ કરેલ સર્વે રિપોર્ટ મેળવ્યો હતો. ત્યારબાદ તુરંત જ તિજોરીના ભોંયરામાંથી મળી આવેલી મૂર્તિને ભોંયરામાં સ્થાપિત કરાઇ હતી.
મહત્વનું છે કે ASIએ પોતાના સર્વે રિપોર્ટમાં જણાવ્યું કે ભોંયરામાં હનુમાનની બે મૂર્તિ, વિષ્ણુ અને ગણેશની એક-એક, બે શિવલિંગ અને એક મકરની મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિઓ સાથે, 259 સામગ્રી જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી હતી. તેને પુરાવા તરીકે તિજોરીમાં રાખવામાં આવ્યો છે. જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાંથી આદેશ જારી થયા બાદ, વાદીએ જિલ્લા મેજિસ્ટ્રેટનો સંપર્ક કર્યો હતો. અને જિલ્લા ન્યાયાધીશના આદેશનું પાલન કરવાની માંગ કરી હતી.