યોગગુરુ બાબા રામદેવ એફએમસીજી સેક્ટર બાદ હવે વધુ એક બિઝનેસમાં હાથ અજમાવવાની તૈયારી કરી રહ્યા છે. પતંજલિ આયુર્વેદ સોફ્ટવેરના ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. કંપની આ માટે કરોડો રૂપિયા ખર્ચવા તૈયાર છે. એક રિપોર્ટ અનુસાર પતંજલિ આયુર્વેદ દેવાથી ડૂબેલી સોફ્ટવેર કંપની રોલ્ટા ઈન્ડિયાને ખરીદવામાં રસ દાખવી રહી છે. આ માટે પતંજલિ આયુર્વેદે લગભગ 830 કરોડ રૂપિયાની ઓફર રજૂ કરી છે. પતંજલિની આ ઑફર ઑલ કૅશ ઑફર છે. જો પતંજલિની ઓફર સ્વીકારવામાં આવશે તો એફએમસીજી પછી સોફ્ટવેર સેક્ટરમાં તેની એન્ટ્રી માટે રસ્તો સાફ થઈ જશે.
NCLTની મુંબઈ બેન્ચનો નિર્ણય
પતંજલિએ આ ઓફર એવા સમયે રજૂ કરી છે જ્યારે ગયા અઠવાડિયે ધિરાણ આપનાર બેંકો દ્વારા અશ્દાન પ્રોપર્ટીઝને સૌથી વધુ બોલી લગાવનાર જાહેર કરવામાં આવી છે. પતંજલિએ NCLTની મુંબઈ બેંચને તેની ઓફર પર વિચાર કરવા વિનંતી કરી, જેનો અશદાન પ્રોપર્ટીઝે વિરોધ કર્યો. બંને પક્ષોને સાંભળ્યા બાદ NCLTએ નિર્ણય લેણદારોની સમિતિ પર છોડી દીધો છે.
કાયદાકીય પાસાઓ વિચારણા હેઠળ છે
રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે લેણદારોની સમિતિ પતંજલિની ઓફર પર વિચાર કરવા અંગે કાનૂની અભિપ્રાય લઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે પતંજલિની ઓફર હાલમાં ધિરાણકર્તાઓ માટે ઉપલબ્ધ ઓફર કરતાં મોટી અને સારી છે. આવી સ્થિતિમાં, પતંજલિની ઓફરને ધ્યાનમાં લેવી અને સ્વીકારવી એ ધિરાણ આપનારી બેંકો માટે નફાકારક સોદો સાબિત થઈ શકે છે.
રોલ્ટા ઈન્ડિયા પર ઘણું દેવું છે
રોલ્ટા ઈન્ડિયા એક સોફ્ટવેર કંપની છે, જે સંરક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત ટેક સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. કંપની પર યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના રૂ. 7,100 કરોડનું દેવું છે. આ ઉપરાંત સિટીગ્રુપ સહિતના વિદેશી બોન્ડધારકો પાસેથી રૂ. 6,699 કરોડ પણ બાકી છે. આ રીતે રોલ્ટા ઈન્ડિયાનું કુલ દેવું લગભગ 14 હજાર કરોડ રૂપિયા થઈ જાય છે. કંપનીને જાન્યુઆરી 2023માં નાદારી પ્રક્રિયામાં દાખલ કરવામાં આવી હતી.