ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ચંદ્રયાન -૩, આદિત્ય-L1 અવકાશયાન, એક્સ્પોસેટ બાદ હવે 2024ની 17 ફેબ્રુઆરીએ ઇન્સેટ-3DS ઇન્ડિયન સેટેલાઇટ તરતો મૂકશે. ઇન્સેટ-3DS 17 ફેબ્રુઆરીએ સાંજે 5:30 વાગે જીઓસિન્ક્રોનસ લોન્ચ વેહિકલ – F 14 દ્વારા શ્રીહરિકોટાના સ્પેસ સ્ટેશન પરથી તરતો મૂકાશે. ચાર સ્ટેજનું અને 51.7 મીટર લંબાઇ ધરાવતું GSLVR, 274 કિલાનું ભારેભરખમ વજન ધરાવતા ઇન્સેટ-3DSને લઇને પૃથ્વીથી 36 હજાર કિલોમીટરના અંતરે તરતો મૂકશે.
ઇન્સેટ-3DS નો હેતુ હવામાનની અને આબોહવાની સચોટ આગાહીનો છે.આમ તો હવામાનની આગાહી માટે અત્યારે ઇન્સેટ – 3 D અને ઇન્સેટ – 3DR એમ બે સેટેલાઇટસ સંપૂર્ણપણે સક્રિય છે. હાલ ભારતના હવામાન વિભાગના વિજ્ઞાનીઓ આ બંને સેટેલાઇટ્સની મદદથી હવામાનની આગાહી કરે છે. એટલે આ નવો ઇન્સેટ-3DS હવામાનની આગહી માટેનો ત્રીજી પેઢીનો અને વધુ આધુનિક ટેકનોલોજી સાથેનો સેટેલાઇટ છે.
આ નવો ઇન્સેટ-3DS સેટેલાઇટ ઠંડી, ગરમી, ચોમાસુ, વાવાઝોડું, વીજળીના કડાકા, મેઘગર્જના, વાતાવરણમાંનો ભેજ, જમીનનું તાપમાન, સમુદ્રની સપાટીનું તાપમાન અને તેના પર થતા ફેરફાર વગેરેની સચોટ આગાહી પણ કરશે. આ નવા સેટેલાઇટના ઉપયોગથી ઇન્ડિયન મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ, નેશનલ સેન્ટર ફોર મિડિયમ – રેન્જ વેધર ફોરકાસ્ટિંગ, ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી, નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ઓશન ટેકનોલાજી વગેરે એજન્સીઓ આંકડાકીય માહિતી સાથે ઇમેજીસ પણ મેળવીને હવામાનમાં થતા વ્યાપક ફેરફારની સચોટ આગાહી કરી શકશે.
ઇન્સેટ-3DSમાં 1 ઇમેજર, 2 સાઉન્ડર, 3 ડાટા રીલે ટ્રાન્સપોન્ડર અને 4 સેટેલાઇટ એઇડેડ સર્ચ એન્ડ રેસ્કયુ ટ્રાન્સપોન્ડર એમ કુલ ચાર વૈજ્ઞાનિક ઉપકરણ છે. સેટેલાઇટને સોલાર પેનલ્સ,આધુનિક ટેકનોલોજીની બેટરી, પાવર જનરેશન 1505 વોટ્સ વગેરે દ્વારા ઉર્જા મળશે.