27 ફેબ્રુઆરી 2002 આ તારીખ જે ભારતીય ક્યારે નહિ ભુલે…કારણકે આ દિવસે થયો હતો ગોધરાકાંડ…આ કાંડએ ભારતીય ઈતિહાસને બદલી નાખ્યો હતો. આ એ દિવસ હતો જ્યારે ગુજરાતના ગોધરા સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એસ 6 નંબરના ડબ્બામાં આગ લગાવી દીધી હતી. આગ લાગવાથી 59 લોકોના મોત નિપજ્યા હતા.આ તમામ કારસેવક હતા.રામભક્તો હતા.જેઓ અયોધ્યાથી પરત આવી રહ્યા હતા.
આજથી 22 વર્ષ પહેલા પોતાના માથા ઉપર કેસરી પટ્ટી બાંધી ‘જયશ્રી રામ’ના નારા લગાવતા હજારો કારસેવકો ૨૫-૦૨-૨૦૦૨ ના રોજ અમદાવાદથી આયોધ્યા રામનામના જપના યજ્ઞની પૂર્ણાહુતિ માટે ગયા હતા. તેઓ ૨૭-૦૨-૨૦૦૨ના રોજ આયોધ્યાથી અમદાવાદ પરત આવતાં સવારે ગોધરા સ્ટેશને પહોંચ્યા હતા. ગોધરાથી ઉપડેલી સાબરમતી એકસપ્રેસ ૯૧૬૬ અપ ગાડી સવારે આઠ વાગ્યે સિગ્નલ ફળિયા નામના વિસ્તારમાં પહોંચી ત્યારે ચેન પુલિંગથી કે લાલ સિગ્નલને કારણે ગાડી રોકાઈ હતી. ટ્રેનના એસ-૬ માં કારસેવકો હોવાની ગોધરાના વિધર્મીઓને ખબર હોવાથી પૂર્વયોજિત ઘટનાસ્વરૂપે મોટી સંખ્યામાં આવેલા વિધર્મી સ્ત્રી-પુરુષ અને બાળકોએ ટ્રેન ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. હાથમાં ઘાતક હથિયારો અને પેટ્રોલ લાવેલ ટોળાએ કોચને આગ લગાડી દિધી હતી.
એક રિપોર્ટસ મુજબ બહાર હથિયાર બંધ ટોળું અને ટ્રેના કોચની અંદર આગ ફાટી નીકળતાં મોત સામે લડતા બહુ ઓછા લોકોને પોતાનો જીવ બચાવવાની તક મળી હતી. 59 જેટલા વ્યક્તિઓનું વિકરાળ આગમાં શ્વાસ રૂંધાવાથી મોત નિપજ્યુ હતુ. ટ્રેનના કોચ બંધ હોવાથી તમામ લોકોના મૃતદેહો કોલસો બની ગયા હોવાથી ઓળખ કરી શકાય તેવા પણ ન હતા. એટલુ જ નહિ પોષ્ટમોર્ટમ શક્ય ન હોવાથી ડોકટરોએ સ્થળ પર તપાસી લીધા હતા.આ ઘટના બાદ ગુજરાતમાં સાંપ્રદાયિક તંગદિલી ફેલાઈ હતી. ગોધરાની તમામ સ્કૂલ-દુકાનો બંધ કરી દેવાઈ હતી. ઠેર ઠેર કર્ફ્યૂ લગાવી દેવાયો હતો.
આ વાતને આજે વર્ષો વીતી ગયા હોવા છતાં જ્યારે પણ ગોધરાકાંડનું નામ આવે છે ત્યારે તેમા અનેક તથ્યો સામે આવે છે. મીડિયાથી લઇ વિવિધ સમાજો વિવિધ વાત કરતા જોવા મળે છે. જે તે સમયે દરેક લોકો પોતાના વિચારો અલગ રીતે રજૂ કર્યા હતા.ગોધરાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં જે માહોલ તે સમયે બન્યો હતો. તે આપણી કલ્પનાના પરે છે. 2002ના કોમી રમખાણોમાં દરેક સમાજે નુકસાન વેઠ્યું હતું.
તો આ તરફ જે તે સમયે નરેન્દ્ર મોદી પર રમખાણ રોકવા કોઇ પગલાના લેવાયા હોય તેવા આરોપ લગાવવામાં આવ્યા હતા. જો કે ગોધરા કાંડની તપાસ માટે 6 માર્ચ 2002ના રોજ નાણાવટી-શાહ પંચની રચના થઇ હતી હતી. જેમાં હાઈકોર્ટના રિટાયર્ડ જજ કે જી શાહ અને સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ જી ટી નાણાવટીને તેના સભ્ય બનાવવામાં આવ્યા હતા. આ પંચે પોતાના રિપોર્ટનો પ્રથમ ભાગ સપ્ટેમ્બર 2008ના રોજ રજૂ કર્યો હતો. જેમાં ગોધરા કાંડને જાણી જોઈને રચેલું ષડયંત્ર ગણાવ્યુ હતુ. આ સાથે જ નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને ક્લીન ચિટ અપાઈ હતી.