વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાનું ઉદ્યોગ મંત્ર બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું તેમણે કહ્યુ કે વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ 2003 માં માત્ર 3000 ચો.મી.ની જગ્યા અને 125 ડેલીગેટ્સ સાથે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની શરૂઆત થઇ હતી.જેમાં 66,000 કરોડના 80 MoU થયા હતા.
છેલ્લા દિવસના પ્રસ્તાવની ચર્ચામાં સહભાગી થતા
મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે,વર્ષ 2003માં યોજાયેલી પ્રથમ વાઈબ્રન્ટ સમિટ બાદ આ વર્ષે દેશના અમૃતકાળમાં યોજાયેલી પ્રથમ વાઈબ્રન્ટ સમિટની સફર દરમિયાન ગુજરાતની કાયાપલટ થઇ ગઈ છે.ગુજરાત આજે માત્ર દેશમાં જ નહિ,પરંતુ સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન લઇ ચૂક્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી અને આગવા વિઝનને આભારી છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વાઈબ્રન્ટ સમિટના પરિણામે છેલ્લા બે દાયકામાં ગુજરાતે સાતત્યપૂર્ણ વિકાસ કરી, જી.એસ.ડી.પી.માં 14.98 ટકાનો વિકાસદર હાંસલ કર્યો છે. વર્ષ 2000-01માં દેશના જી.ડી.પી.માં ગુજરાત રાજ્યનો ફાળો 5.1 ટકા હતો,જે આજે વધીને 8.2 ટકા થયો છે.આમ,દેશના વિકાસમાં ગુજરાતે પોતાનો ફાળો ઉત્તરોત્તર વધારી, દેશના ગ્રોથ એન્જિન તરીકે પ્રસ્થાપિત થયું છે.
ઉદ્યોગ મંત્રીએ કહ્યું હતું કે,રાજ્યની આ વિકાસ યાત્રાના પ્રણેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીની શતાબ્દી એટલે કે વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા વિકસિત ભારત@ 2047નું આહ્વાન કર્યું છે. વિકસિત ભારતની આ સંકલ્પનામાં, ગુજરાત અગત્યનો ફાળો ભજવી, દેશના આર્થિક અને સામાજિક વિકાસનું સુકાન સંભાળે તે રાજ્ય સરકારનો ધ્યેય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શાનદાર પ્રારંભ કરાવ્યો,ત્યારે મહાત્મા ગાંધીની સ્મૃતિ અને સંદેશ સાથે અમૃતકાળના આરંભની અનુભૂતિ થઈ હતી. 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ચાર દેશોના વડા સહિત 130 કરતાં પણ વધુ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આ અમૃતકાળની પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ ભારતની વિકાસયાત્રામાં મહત્વના સહયોગી બન્યા હતા,તેમ તેમણે ઉમેર્યું હતું.