ઉત્તર પ્રદેશના જૌનપુરમાં ગુરુવારે સવારે બીજેપી નેતા પ્રમોદ યાદવ (55)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો બાઇક પર આવ્યા હતા. યાદવના ઘરથી થોડે દૂર બક્સા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોધાપુર વળાંક પર સવારે 10:00 વાગ્યે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો તેમની બાઇક છોડીને સ્થળ પરથી નાસી ગયા હતા. યાદવનું જિલ્લા હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું. પોલીસ હુમલાખોરોની ઓળખ કરવામાં વ્યસ્ત છે.
હુમલાખોરોએ યાદવ પર ત્રણ ગોળી મારી હતી
ઘટના સમયે પ્રમોદ યાદવ ક્યાંક જવા માટે ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે ઓચિંતા બેઠેલા બદમાશોએ તેમના પર ત્રણ ગોળીઓ ચલાવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. સમગ્ર શહેરમાં નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ બાઇક અને સીસીટીવી ફૂટેજની મદદથી હુમલાખોરોને શોધી રહી છે. ભાજપના નેતાની હત્યા બાદ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
યાદવ 2012ની વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે
પ્રમોદ યાદવ ભાજપ કિસાન મોરચાના પૂર્વ જિલ્લા અધ્યક્ષ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ જિલ્લા મહામંત્રી હતા. તેઓ ભાજપની ટિકિટ પર મલ્હાણીથી બે વખત વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ મલ્હાનીથી ધનંજય સિંહની પત્ની જાગૃતિ સિંહ સામે ચૂંટણી લડ્યા હતા. તે ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી (SP)ના પારસ નાથ યાદવ ચૂંટણી જીત્યા હતા, જ્યારે જાગૃતિ બીજા ક્રમે રહી હતી. આ પહેલા પણ તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે.