ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ અંગે મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ની સામાન્ય-વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલીત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. આગામી તા. ૧૧ થી ૨૨ માર્ચ ૨૦૨૪ દરમિયાન ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે જેમાં રાજ્યભરમાં કુલ ૯,૧૭,૬૮૭ વિદ્યાર્થી ભાઈ-બહેનો પરીક્ષા આપશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૩૨,૦૭૩ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત તા. ૩૧ માર્ચ ૨૦૨૪ના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષામાં ૧,૩૭,૭૦૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ ગુજરાતમાં આગામી ૧૧ માર્ચથી ૩૧ માર્ચ સુધીમાં કુલ ૧૬,૭૬,૭૩૯ વિદ્યાર્થીઓ બોર્ડ-ગુજકેટની પરીક્ષા આપીને પોતાની સફળ કારકિર્દીનો પ્રારંભ કરશે તેમ, લાખો વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા પ્રવકતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આગામી તા. ૧૧ થી ૨૨ માર્ચ ૨૦૨૪ દરમિયાન રાજ્યભરના વિવિધ ૮૪ ઝોનમાં ૯૮૧ કેન્દ્રો પર ધોરણ ૧૦ની પરીક્ષા યોજાશે. જ્યારે ધોરણ ૧૨ વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં ૫૬ ઝોનમાં ૬૫૩ કેન્દ્રો પર પરીક્ષા યોજાશે. આ ઉપરાંત રાજ્યના ૩૪ ઝોનના ૩૪ કેન્દ્રો પર આગામી તા. ૩૧ માર્ચના રોજ સવારે ૧૦ થી ૦૪ દરમિયાન ગુજકેટની પરીક્ષા યોજાશે.