સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ બોર્ડ,નવી દિલ્હીના સહયોગથી ગાંધીનગરના સેક્ટર 21 ખાતે આવેલા જીમખાના ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસિસ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો સામાન્ય વહીવટી વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીએ પ્રારંભ કરાવ્યો હતો.આ અવસરે કમલ દયાનીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રમતગમત ક્ષેત્રે વિશ્વ કક્ષાની માળખાકીય સુવિધાના નિર્માણ દ્વારા આ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર બનવા વિશેષ આયોજન કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં જ નેશનલ ગેમ્સનું સફળ આયોજન કરીને ગુજરાતે પોતાની ક્ષમતા સાબિત કરી છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે રમતગમતને પ્રોત્સાહન આપવા ખેલ મહાકુંભના માધ્યમથી પાયાના સ્તરે જ આયોજન કર્યું છે જેના કારણે ગ્રામ્ય સ્તરેથી પણ ખેલ પ્રતિભાને પ્રોત્સાહન મળે છે અને આવા રમતવીરો રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ પોતાના કૌશલ્યને પ્રદર્શિત કરી રહ્યા છે.
આવી સ્પોર્ટ્સ મીટની મહત્તાને વર્ણવતા દયાની એ જણાવ્યું હતું કે સિવિલ સર્વિસીસ ટુર્નામેન્ટના કારણે કર્મચારીઓના રમતગમતના કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ મળે છે એટલું જ નહીં પરંતુ વિવિધ પ્રદેશોના સાંસ્કૃતિક વૈવિધ્યથી પણ તેઓ માહિતગાર થાય છે. ખેલાડીઓની સ્પોટ્સમેન સ્પિરિટથી આ ટુર્નામેન્ટ અવિસ્મરણીય બનશે તેવી આશા વ્યક્ત કરી સૌ ખેલાડીઓનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરી, શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં ભારત સરકારના પ્રતિનિધિ વિવેક કૌશિકે સૌ ખેલાડીઓને આવકારી આ ટુર્નામેન્ટની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી.આ ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીઝ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગના સચિવ સી.જે.ગોઠિ,સચિવ લલિત પાડલીયા,આ ટુર્નામેન્ટના ચેરમેન અને અધિક સચિવ જવલંત ત્રિવેદી,ઉપ સચિવ સત્કાર દેસાઈ સહિતના અધિકારીઓ અને જુદા જુદા રાજ્યના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.