કોંગ્રેસે મંગળવારે લોકસભા ચૂંટણી માટે 43 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી જેમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોત અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના પુત્ર નકુલ નાથના નામ સામેલ છે. પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલે ઉમેદવારોના નામની જાહેરાત કરી. વૈભવ ગેહલોતને રાજસ્થાનની જાલોર લોકસભા સીટથી અને નકુલ નાથને મધ્યપ્રદેશની છિંદવાડા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
લોકસભામાં કોંગ્રેસના નાયબ નેતા ગૌરવ ગોગોઈ આસામના જોરહાટથી ચૂંટણી લડશે. ભારતીય જનતા પાર્ટી (BJP) છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા રાહુલ કાસવાનને તેમના વર્તમાન સંસદીય મતવિસ્તાર ચુરુમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની બીજી યાદીમાં સામાન્ય વર્ગના 10 ઉમેદવારો અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમુદાયના 33 ઉમેદવારોનો સમાવેશ થાય છે.
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC) એ સોમવારે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ માટે 60 થી વધુ ઉમેદવારોના નામ પર ચર્ચા કરી હતી, જેમાંથી લગભગ 43 ઉમેદવારોને મંજૂરી આપવામાં આવી હતી. કોંગ્રેસે ગત શુક્રવારે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જેમાં પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સૌથી મોખરે નામ હતું. તેમને ફરી એકવાર કેરળની વાયનાડ બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદીમાં 15 ઉમેદવારો સામાન્ય વર્ગના અને 24 ઉમેદવારો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતી સમુદાયના હતા.