જાપાનની એક ખાનગી કંપની દ્વારા અવકાશ ભ્રમણકક્ષામાં મોકલવામાં આવેલ રોકેટ બુધવારે લોન્ચ થયાની થોડી જ સેકન્ડોમાં હવામાં વિસ્ફોટ થયો હતો. ઓનલાઈન વીડિયોમાં ‘કાઈરોસ’ નામના રોકેટને મધ્ય જાપાનના વાકાયામા પ્રીફેક્ચરના ઓફશોર વિસ્તારમાંથી લોન્ચ કરવામાં આવી રહ્યું છે, પરંતુ રોકેટ ટેક ઓફ થયાની સેકન્ડોમાં જ વિસ્ફોટ થઈ ગયું.
રોકેટના વિસ્ફોટ પછી આ વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા અને કેટલીક જગ્યાએ આગની જ્વાળાઓ ઉભરાવા લાગી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આગ ઓલવવાના પ્રયાસમાં તે જગ્યાએ પાણી રેડવામાં આવી રહ્યું છે. આ રોકેટ ટોક્યો સ્થિત સ્ટાર્ટ-અપ સ્પેસ વનનું હતું અને તેણે હજુ સુધી કોઈ તાત્કાલિક પ્રતિક્રિયા આપી નથી.
આ ભયાનક નિષ્ફળતાના ફૂટેજ જાપાનના સરકારી બ્રોડકાસ્ટર NHK પર પણ બતાવવામાં આવી રહ્યા છે. જાપાનમાં ખાનગી ક્ષેત્રની કોઈપણ કંપનીનું આ પ્રથમ રોકેટ હોવાનું કહેવાય છે. ટોક્યો-આધારિત સ્ટાર્ટઅપ સ્પેસ વન એ ખાનગી રોકેટનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક ઉપગ્રહને ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરનાર પ્રથમ જાપાની ખાનગી કંપની બનવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું, પરંતુ તે નિષ્ફળ ગયું.
અહેવાલો અનુસાર, પ્રક્ષેપણ પહેલાથી જ ઘણી વખત વિલંબિત થઈ ગયું હતું અને છેલ્લીવાર શનિવારે એક જહાજ જોખમી ક્ષેત્રમાં જોવા મળ્યા પછી તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું. જો તે સફળ સાબિત થાય, તો ‘સ્પેસ વન’ અવકાશ ભ્રમણકક્ષામાં રોકેટ મોકલનાર પ્રથમ ખાનગી કંપની બની હોત.