ચૂંટણીપંચે લોકસભા ચૂંટણીની તારીખોની સાથે સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ વખતે લોકસભા ચૂંટણીનું આયોજન 7 તબક્કામાં થવાનું છે. ત્યારે પ્રથમ તબક્કાની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન યોજાશે. ગુજરાતમાં 26 લોકસભાની બેઠકો પર 7મેના રોજ એક જ તબક્કામાં મતદાન યોજાશે. એટલે કે લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા દરમિયાન ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાનનું સમાપન થઈ જશે.
ગુજરાતમાં 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ ત્રીજા તબક્કામાં
ગુજરાતની વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીનું આયોજન પણ લોકસભાની ચૂંટણીઓ સાથે જ થવાનું છે. જોકે મહત્ત્વપૂર્ણ એ છે કે આ પાંચ બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન 7 મેના રોજ એટલે કે લોકસભાની ચૂંટણીના મતદાન સાથે જ થશે.
4 જૂને આવશે પરિણામ
ગુજરાતમાં 26 લોકસભા બેઠકો પર મતદાન પૂરું થયા બાદ 4 જૂનના રોજ પરિણામ જાહેર કરાશે. ગુજરાત પીએમ મોદી અને ભાજપનું ગઢ મનાય છે. એટલા માટે આખા દેશની નજર ગુજરાતની ચૂંટણીઓ પર રહેશે ત્યારે અહીં 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાવાની છે જેની તારીખ 7 મે જ નક્કી કરવામાં આવી છે.
ગુજરાતનો ચૂંટણી કાર્યક્રમ કંઇક આ પ્રમાણે રહેશે
12 એપ્રિલે ગેઝેટ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ રહેશે. જ્યારે 20 એપ્રિલે ફોર્મ ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 22 એપ્રિલ સુધીમાં ફોર્મ પરત લઇ શકશે. છેવટે 7 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 4 જૂનના રોજ કરાશે અને તે જ દિવસે પરિણામો પણ જાહેર થઇ જશે.