રશિયાની રાજધાની મોસ્કોમાં મોટો આતંકી હુમલો થયો છે. અહીં 4 આતંકવાદીઓ એક કોન્સર્ટ હોલમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો, જેમાં ઓછામાં ઓછા 70 લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે, જેના કારણે મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે. ઘાયલોમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે.
6,000 લોકો પર અંધાધૂંધ ગોળીબાર
આ હુમલો મોસ્કોના ઉત્તર પશ્ચિમમાં આવેલા શહેર ક્રાસ્નોગોર્સ્કમાં ક્રોકસ સિટી હોલ રિટેલ અને કોન્સર્ટ કોમ્પ્લેક્સમાં થયો હતો. પિકનિક નામના રશિયન રોક ગ્રુપ દ્વારા અહીં એક કોન્સર્ટ થવાનો હતો, જેના માટે 6,000 લોકોની ભીડ એકઠી થઈ હતી. જો કે, રજૂઆત પહેલા જ ચાર બંદૂકધારીઓ હોલમાં ઘૂસી ગયા હતા અને લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેના પગલે બિલ્ડિંગમાં આગ લાગી હતી અને છતના કેટલાક ભાગને પણ નુકસાન થયું હતું.
કેવી રીતે થયો હુમલો?
એક સિક્યોરિટી ગાર્ડના જણાવ્યા અનુસાર હુમલાખોરો પ્રેક્ષકોના બેસવાની જગ્યાના પાછળના ભાગમાં આવ્યા અને ફાયરિંગ શરૂ કર્યું. બીજો હુમલાખોર હોલની મધ્યમાં દરવાજા પાસે ગોળીબાર કરી રહ્યો હતો.વિટાલી, એક પ્રત્યક્ષદર્શી, જણાવ્યું હતું કે, “તેઓએ કેટલાક પેટ્રોલ બોમ્બ ફેંક્યા અને દરેક જગ્યાએ આગ લાગી. અમે બહાર નીકળવાના દરવાજા તરફ દોડી ગયા, પરંતુ તે તાળું હતું તેથી અમે ભોંયરામાં ગયા.”
આ હુમલાની જવાબદારી ISએ લીધી હતી
કોન્સર્ટ હોલ પર થયેલા હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (IS)એ લીધી છે. “IS લડવૈયાઓએ રશિયાની રાજધાની મોસ્કોની બહારના વિસ્તારમાં એક વિશાળ સભા પર હુમલો કર્યો. હુમલાખોરો સુરક્ષિત રીતે તેમના ઠેકાણાઓ પર પાછા ફર્યા છે,” ISએ ટેલિગ્રામ મેસેજિંગ એપ પર એક નિવેદનમાં જણાવ્યું હતું. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
અમેરિકાએ હુમલાની ચેતવણી આપી હતી
વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્હોન કિર્બીએ કહ્યું, “અમારા વિચારો આ ભયાનક હુમલાના પીડિતો સાથે છે. એવા માતા-પિતા, ભાઈ-બહેન અને પુત્ર-પુત્રીઓ છે જેમને હજુ સુધી સમાચાર મળ્યા નથી. આ એક મુશ્કેલ દિવસ બનવા જઈ રહ્યો છે.” રશિયામાં યુએસ એમ્બેસીએ આ મહિનાની શરૂઆતમાં આતંકવાદી હુમલાની ચેતવણી આપી હતી. યુએસએ કહ્યું હતું કે ઉગ્રવાદીઓએ મોસ્કોમાં કોન્સર્ટ સહિત મોટા મેળાવડાને નિશાન બનાવવાની યોજના બનાવી હતી.
ભારતે આ હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું છે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. વડા પ્રધાને લખ્યું, ‘મોસ્કોમાં ઘૃણાસ્પદ ઉગ્રવાદી હુમલાની અમે સખત નિંદા કરીએ છીએ. અમારી પ્રાર્થના પીડિતોના પરિવારો સાથે છે. દુખની આ ઘડીમાં ભારત રશિયન સરકાર અને તેના લોકો સાથે ઉભું છે. યુક્રેનના રાષ્ટ્રપતિના સલાહકાર મિખાઈલ પોડોલ્યાકે હુમલામાં યુક્રેનની સંડોવણીનો ઈન્કાર કર્યો છે.