રૂપાલાએ ક્ષત્રિય સમાજ મુદ્દે કરેલા નિવેદનનો મુદ્દો વધુ ઉગ્ર બન્યો છે અને ક્ષત્રિય સમાજે રૂપાલાની ઉમેદવારી સામે વિરોધ નોંધાવ્યો છે, ત્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ રૂપાલાના વિરોધમાં ઉતરશે અને રાજપૂત સમાજની મહિલાઓ હું પદમાવતી અભિયાન ચલાવશે. જો ભાજપ પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી નહીં ખેંચે તો તેનું પરિણામ ભાજપે ભોગવવું પડશે, તેવું રણશિંગુ ક્ષત્રિય સમાજે સ્પષ્ટ કરી દીધું છે.
કેન્દ્રિય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ એક થયો છે અને રૂપાલાના નિવેદન મુદ્દે હવે લડી લેવાના મૂડમાં છે. ખાસ કરીને ક્ષત્રિય સમાજ આગામી દિવસોમાં રાજકોટમાં એક મહાસંમેલન યોજવાની રણનીતિ ઘડી છે અને એક જ મુદ્દો આગળ ધર્યો છે કે કોઈને કોઈ પ્રકારે પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થાય. એટલું જ નહીં, ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ હવે રૂપાલા સામે મેદાને ઉતરી છે.
ક્ષત્રિય સમાજના મહિલા સંગઠનના પ્રમુખ તૃપ્તિબાએ જણાવ્યું કે, અમારી મુખ્ય માંગ રૂપાલાને ટિકિટ રદ થાય તે રહેશે. સ્વમાનના ભોગે રાજનીતિ નહીં અને સ્વમાનના ભોગે સમાધાન નહીં તે નક્કી છે. રૂપાલાના વિરોધમાં રાજપૂત સમાજ ગ્રાઉન્ડ લેવલ પર આવશે. અન્ય સમાજ પણ આમરી સાથે છે. રાજકીય આગેવાનોના આ પ્રકારના નિવેદન સમાજમાં વ્યમન્સય ઉભુ કરે છે. સામાજિક અસમાનતા ઊભી કરે છે. અમારું એક સ્ટેન્ડ ક્લિયર છે કે રૂપાલા રાજકોટ બેઠક પર નહીં લડે. સ્વમાનના ભોગે સમાધાન નહીં કરીએ.
જો માગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં સંમેલન યોજાશે અને ચૂંટણીમાં પણ આગામી દિવસોમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ હું પદમાવતી અભિયાન ચલાવશે. અમે જણાવીશું કે, અમે કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કર્યા અમે જોહર કર્યું છે. અમારા દરવાજે પાળિયા થયેલા છે. ચૂંટણીમાં વોટિંગમાં બતાવી દઈશું કે પદમાવતી કોણ હતા.