સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રુપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને રાજકોટ લોકસભા બેઠક પરથી તેમની ટિકિટ રદ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે. રાજ શેખાવત આજે કમલમ ખાતે રજૂઆત કરવા જવાના હતા ક્ષત્રિય સમાજના આગેવાનો આવવાના હોય ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજ શેખાવતે કહ્યું હતું કે મને રોકશો તો આત્મવિલોપન કરીશ આવું ક્યા બાદ તેમની અમદાવાદ એરપોર્ટ પર જ અટકાયત કરી હતી.
બાધા બનશો તો આત્મવિલોપન કરીશઃ રાજ શેખાવત
રાજ શેખાવતનો એરપોર્ટ પરથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહે છે કે, હું અમદાવાદ એરપોર્ટ પર છું અને બહાર પોલીસ બંદોબસ્ત છે. મે સરકાર અને તંત્રને કહ્યું હતું કે મને અને મારા ક્ષત્રિયોને જો કમલમ સુધી પહોંચવામાં રુકાવટ બનશો તો આત્મદાહ કરીશ. આત્મવિલોપન કરીશ. મને મજબૂર ન કરો. જે આક્રોષિત રજૂઆત અમારે કરવાની છે તે રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ રસ્તા પર અમારે કોઇ રુકાવટ જોઇતી નથી. આ બાદ રાજ શેખાવત જ્યારે અમદાવાદ એરપોર્ટ પરથી બહાર નીકળતા હતા ત્યારે તરત જ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.
ગાંધીનગર કમલમ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ક્ષત્રિય સમાજના વિરોધના પગલે ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. ગાંધીનગરના કમલમ કાર્યાલય ખાતે આજે જ્યાં જુએ ત્યાં પોલીસ જ પોલીસ દેખાતી હતી. મહિલા પોલીસ અને વિવિધ એજન્સીઓ ખડકી દેવામાં આવી છે.