સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસનું ફોર્મ રદ્દ થતા અન્ય તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા જેનાથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ સુરત બેઠક પર બિનહરીફ ચૂંટણી જીતી ગયા છે. એટલે કે સુરતની આ લોકસભા બેઠક પર ચૂંટણી નહી યોજાય.મુકેશ દલાલ બિનહરીફ જાહેર થતાં તેમને સુરત કલેક્ટરે જીતનું સર્ટિફિકેટ પણ આપી દીધું છે. હવે મુકેશ દલાલ સુરતના સાંસદ બની ગયા છે. મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુભકામના પાઠવી હતી.
સી. આર. પાટીલે જણાવ્યું હતું કે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો ત્યાં કોંગ્રેસનું ફોર્મ રદ્દ થયું જેના કારણે કોંગ્રેસ સિવાય અન્ય તમામ 8 ઉમેદવારોએ પણ ફોર્મ પરત ખેંચતા મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા છે.
કોંગ્રેસ પર પણ પ્રહારો કરતા પાટીલે કહ્યું કે કોંગ્રેસે ચૂંટણી પહેલા જ ડ્રામા શરૂ કરી દીધો છે. કોંગ્રેસે વહીવટી તંત્ર પર દબાણ લાવવા માટે પ્રયાસ કર્યા અંતે સત્ય બહાર આવ્યું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા. વધુમાં પાટીલે કહ્યું કે સુરત બેઠક પર ભાજપની આ પહેલી જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અર્પણ છે. સુરત બેઠક પર મળેલ જીત 400+ના લક્ષ્યાંકમાં પ્રથમ જીત છે.