હાઈલાઈટ્સ :
– ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી પરિણામ
– 5 વિધાનસભા પેટા ચૂંટણી પર ભાજપનો વિજય
– પોરબંદર,માણાવદર,વિજાપુર,ખંભાત,વાઘોડીયા બેઠક
– પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડીયાની ઐતિહાસિક જીત
– ભાજપના અર્જુન મોઢવાડીયાની 1.17 લાખ મતથી ભવ્ય જીત
-વિજાપુરથી ભાજપના સી.જે.ચાવડાનો વિજય થયો
લોકસભાની સામાન્ય ચૂંટણી સાથે કેટલીક વિધાનસભાઓની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી.જેમાં ગત 7 મે ના રોજ લોકસભાની 25 બેઠકો તેમજ 5 વિધાનસભાની પેટા ચૂંટણી યોજવામા આવી જેની પણ મતગણતરી આજે 4 જૂનના રોજ હાથ ધરવામાં આવી હતી.ભાજપે આ તમામ 5 બેઠકો પર જીત મેળવી છે.
2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પોરબંદર,માણાવદર, વિજાપુર અને ખંભાતની બેઠકો જીતી હતી. સાથે જ વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો હતો.આ તમામ ધારાસભ્યોએ તેમના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાયા હતા,ત્યારબાદ ભાજપે આ તમામ પૂર્વ ધારાસભ્યોને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા.
આણંદ જિલ્લાની ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88,457 અને કોંગ્રેસના મહેન્દ્ર પરમારને 50,129 મત મળ્યા હતા.ભાજપ આ સીટ પર 38,328 વોટથી જીત મેળવવામાં સફળ રહી હતી. તો મહેસાણા જિલ્લાની વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સી.જે.ચાવડાને 100641 મત અને કોંગ્રેસના દિનેશ પટેલને 44,413 મત મળ્યા હતા. આમ ભાજપ આ સીટ 56,228 વોટથી જીતવામાં સફળ થયું. તેવી જ રીતે માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપે 28,865 મતોથી જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને 75,156 વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાને 46,292 વોટ મળ્યા.
સાથે જ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 121531 મત મળ્યા છે. તેમણે 1,17,000 મતોની ઐતિહાસિક લીડ સાથે આ બેઠક જીતી છે.કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને 16,096 મત મળ્યા હતા. સાથે જ વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 78,765 મત મળ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને 42,500 મત મળ્યા.આ બેઠક પર ભાજપ 36 હજારથી વધુ મતોથી જીતવામાં સફળ રહ્યું છે.