લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ બીજેપીના નેતૃત્વમાં એનડીએ ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. આવતીકાલે એટલે કે 9 જૂન રવિવારના રોજ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.
હાઈલાઈટ્સ
- 9 જૂન રવિવારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે શપથ લેશે
- શપથ ગ્રહણમાં 8000 મહેમાનોને આમંત્રણ મળ્યું
- દેશ-વિદેશી આવશે મહેમાનો
- શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાશે
- સાંજે 6 વાગ્યે યોજાશે શપથ ગ્રહણ
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ બીજેપીના નેતૃત્વમાં એનડીએ ફરી એકવાર સરકાર બનાવવા જઈ રહી છે. આવતીકાલે એટલે કે 9 જૂન રવિવારના રોજ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. મોદીનો શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવન ખાતે સાંજે 6 વાગ્યે યોજાનાર છે. તેને ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
મોદીના શપથ સમારોહમાં વિશ્વના ઘણા નેતાઓને વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે, માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ, સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીપ, બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના, મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ, નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે અને તમામને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ નેતાઓએ નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ સ્વીકાર્યું છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદેશી મહેમાનોને પણ ડિનર માટે આમંત્રિત કર્યા છે. શપથ લીધા બાદ આ તમામ વિદેશી મહેમાનો એ જ સાંજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ડિનર પાર્ટીમાં પણ હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનનાર ભારતના બીજા નેતા છે, તેથી તેમના શપથ ગ્રહણ સમારોહને ખૂબ જ ભવ્ય બનાવવામાં આવી રહ્યો છે. રવિવારે આ કાર્યક્રમ માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે 8000 થી વધુ મહેમાનોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.