IND vs PAK : T20 વર્લ્ડ કપના ગ્રુપ A મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રને હરાવ્યું ભારતની આ જીતના હીરો હતા ટીમ ઈન્ડિયાના બોલર, જેમણે પાકિસ્તાનને 120 બોલમાં 120 રન પણ બનાવવા દીધા.
હાઈલાઈટ્સ
•ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું
•જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડયાની શાનદાર બોલિંગ
•T20Iમાં ભારત દ્વારા ડિફેન્ડ કરેલ સૌથી ઓછા સ્કોર
•ભારતે પ્રથમ બેટિંગ કરતાં 119 રન બનાવ્યા હતા
•પાકિસ્તાન 7 વિકેટ ગુમાવીને 113 રન જ બનાવી શકી હતી
•ટીમ ઈન્ડીયાએ લો સ્કોરિંગ મેચમાં પાકિસ્તાને હરાવ્યું
ન્યુ યોર્ક : T20 વર્લ્ડ કપના ગ્રુપ A મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 6 રને હરાવ્યું.ભારતની આ જીતના હીરો હતા ટીમ ઈન્ડિયાના બોલર, જેમણે પાકિસ્તાનને 120 બોલમાં 120 રન પણ બનાવવા દીધા ન હતા. પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 113 રન જ બનાવી શકી હતી. જસપ્રીત બુમરાહને તેની શાનદાર બોલિંગ માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. બુમરાહે માત્ર 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
ભારતે આપેલા 120 રનના ટાર્ગેટનો પીછો કરતા પાકિસ્તાનની ટીમે સારી શરૂઆત કરી હતી. પ્રથમ વિકેટ માટે કેપ્ટન બાબર આઝમ (13 રન) અને મોહમ્મદ રિઝવાન (33 રન)એ મળીને 26 રન ઉમેર્યા હતા. જોકે, બાબર આઉટ થતાં જ ટીમની સ્કોરિંગની ગતિ ધીમી પડી ગઈ હતી. બાબર બાદ ઉસ્માન ખાન (13 રન)ની વિકેટ ગુમાવીને ટીમે 10 ઓવરમાં માત્ર 57 રન બનાવ્યા હતા. આ પછી ફખર ઝમાન માત્ર 13 રન, ઈમાદ વસીમ 15 રન, શાદાબ ખાન માત્ર 4 રન અને ઈફ્તિખાર અહેમદ માત્ર 5 રન બનાવી શક્યો હતો.
છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 16 રનની જરૂર હતી પરંતુ નસીમ શાહના બે ચોગ્ગા છતાં ટીમ 9 રન જ બનાવી શકી હતી. આ રીતે ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું. ભારત તરફથી જસપ્રીત બુમરાહે ત્રણ અને હાર્દિક પંડ્યાએ બે વિકેટ લીધી હતી જ્યારે અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને એક-એક સફળતા મળી હતી.
આ પહેલા ટોસ હારીને બેટિંગ કરતા ભારતે 19 ઓવરમાં 119 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 13 રન, ઋષભ પંતે 42 રન અને અક્ષર પટેલે 20 રનનું યોગદાન આપ્યું હતું.પાકિસ્તાન તરફથી નસીમ શાહ અને હરીશ રઉફને ત્રણ-ત્રણ સફળતા મળી. જ્યારે મોહમ્મદ આમિરે બે અને શાહીન શાહ આફ્રિદીએ એક વિકેટ લીધી હતી.
Source : હિન્દુસ્તાન સમાચાર