જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં કટરાથી શિવખોડી જઈ રહેલી એક બસ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 10 મુસાફરોના મોત થયા હતા.
હાઈલાઈટ્સ
જમ્મૂ કશ્મીરના રિયાસી જિલ્લામાં મોટો આતંકી હુમલો
શિવખોડી ગુફાએ જતી બસને બનાવી નિશાન
આતંકીઓએ બસ પર કરી ગોળીબારી
તેમાં 10 લોકોના મોત,33 ઘાયલ
પ્રારંભિક અહેવાલો મુજબ અધિકારીઓએ જણાવ્યું હતું કે પોની વિસ્તારના તેરાયાથ ગામમાં શિવ ખોરી મંદિરે જઈ રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. હુમલા બાદ બસ ઊંડી ખાઈમાં ખાબકી હતી. તેમણે કહ્યું કે બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને પોલીસ, સેના અને અર્ધલશ્કરી દળોની વધારાની ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર આ ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સ્થળેથી ખાલી કારતુસ મળી આવ્યા છે. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.
આ મામલે અમિત શાહે લેફ્ટનન્ટ ગવર્નર સિંહા સાથે વાત કરી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુઓ પર આતંકવાદી હુમલામાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં.
રવિવારે બીજી વખત કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લીધા પછી તરત જ, શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “ટ્વિટર” પર એક પોસ્ટમાં કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં શ્રદ્ધાળુઓ પર હુમલાની ઘટનાથી ખૂબ જ દુઃખી છે. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને પોલીસ મહાનિર્દેશક આર.આર. સ્વૈન સાથે વાત કરી ઘટના અંગે માહિતી મેળવી હતી.
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક તબીબી સુવિધાઓ પૂરી પાડવા માટે યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું,”ભગવાન મૃતકોના પરિવારોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.” હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પણ કામના કરું છું.”
બીજી તરફ, જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ એક ટ્વિટર -પોસ્ટમાં કહ્યું કે તેઓ રિયાસીમાં બસ પર થયેલા કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરે છે. શહીદ નાગરિકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. અમારા સુરક્ષા દળો અને JKPએ આતંકવાદીઓને શોધવા માટે સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું છે.
તેણે પોતાની બીજી પોસ્ટમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિસ્થિતિની ખબર લીધી અને મને પરિસ્થિતિ પર સતત નજર રાખવા કહ્યું છે. આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના તમામ લોકોને ટૂંક સમયમાં સજા કરવામાં આવશે. વડા પ્રધાને એ પણ નિર્દેશ આપ્યો છે કે તમામ ઘાયલોને શક્ય તેટલી શ્રેષ્ઠ તબીબી સંભાળ અને સહાય પૂરી પાડવામાં આવે.