પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના પર્વત પર જૈન સમાજના તીર્થંકર નેમિનાથની 500 વર્ષ જૂની મૂર્તિઓ તોડી નાખવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઐતિહાસિક પ્રતિમાઓની હાલત જોઈને જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. જૈન સમાજે જ્યાં સુધી પ્રતિમાઓની પુનઃ સ્થાપના નહીં થાય ત્યાં સુધી વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રતિમાઓ પુનઃ સ્થાપિત કરવાની ખાતરી આપી છે.
હાઈલાઈટ્સ
- પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની ઘટની
- જૈન સમાજના તીર્થંકર નેમિનાથની 500 વર્ષ જૂની મૂર્તિઓ ખંડિત કરી
- ગૃહ રાજ્ય મંત્રીએ પ્રતિમાઓ ફરીથી સ્થાપિત કરવાનો આદેશ આપ્યો
- મૂર્તિઓ ખંડિત કરાતા જૈન સમાજમાં ભારે રોષ
પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી મંદિરની સીડી પાસે જૈન સમાજના તીર્થંકર નેમિનાથની 500 વર્ષ જૂની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. મહાકાલી મંદિર ટ્રસ્ટ દ્વારા અહીં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. નિર્માણ કાર્ય દરમિયાન કોઈએ નેમિનાથજીની પ્રતિમા તોડી નાખી. જેના કારણે જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. ઐતિહાસિક પ્રતિમાઓના વિનાશના કારણે પાવાગઢ, બરોડા, સુરત સહિતના અનેક શહેરોમાં જૈન સમાજના આગેવાનોએ રોષભેર કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પ્રતિમાઓ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે.
શું છે સમગ્ર મામલો
પાવાગઢ પર્વત પર સ્થિત મહાકાળી માતાના મંદિરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ વિકાસ કામના કારણે મહાકાળી માતાના મંદિર તરફ જતી સીડી પાસે જૈન તીર્થંકરની પ્રતિમા ખંડિત થઈ હતી. મંદિર સુધી જવા માટે સીડીઓ છે અને આ સીડીઓની બંને બાજુએ સેંકડો વર્ષોથી જૈન તીર્થંકર નેમિનાથ ભગવાનની સાત મૂર્તિઓ સ્થાપિત છે. જૈન સમાજના લોકો પણ દરરોજ આ મૂર્તિઓની પૂજા કરવા જાય છે.
20 દિવસ પહેલા ડિમોલિશન શરૂ થયું હતું
પાવાગઢના જૈન સમાજના જણાવ્યા મુજબ 20 દિવસ પહેલા મહાકાળી મંદિરની સીડીઓ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક જૈન સમાજ વતી જૈન સમાજની આસ્થાના પ્રતિક સમાન ઐતિહાસિક પ્રતિમાઓના વિનાશની દહેશત વ્યક્ત કરી કલેકટર અને એએસઆઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ તેમ છતાં આ અરજીની અવગણના કરવામાં આવી હતી. આ સમગ્ર મામલાની માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ આપવામાં આવી હતી.
પ્રતિમાઓ પુનઃસ્થાપિત કરાશેઃ હર્ષ સંઘવી
આ સમગ્ર મામલાની માહિતી મળતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પાવાગઢ એક ઐતિહાસિક ભૂમિ છે. પાવાગઢના પર્વતો પર અનેક જૈન તીર્થંકરોની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી હતી. આવા ઐતિહાસિક વારસા અને ધાર્મિક સ્થળને તોડી પાડવાનો કોઈ ટ્રસ્ટ, સંસ્થા કે વ્યક્તિને અધિકાર નથી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતરી કરી છે કે જૈનોની આસ્થાને ઠેસ ન પહોંચે અને તેથી આ મૂર્તિઓને તેમના મૂળ સ્થાને પુનઃસ્થાપિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. “થોડા કલાકોમાં, મૂર્તિઓ ફરીથી સ્થાપિત કરવામાં આવશે.”
ઘટનાની તપાસ પાવાગઢ ડીએસપીને સોંપવામાં આવી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટર પર ટ્વીટ કરીને માહિતી આપી છે કે જૈનોની આસ્થાને ઠેસ પહોંચાડનારી આ ઘટનાની તપાસ પાવાગઢ ડીએસપીને સોંપવામાં આવી છે. હર્ષ સંઘવીએ તૂટેલી મૂર્તિઓની પુનઃસ્થાપન પ્રક્રિયાનો એક વીડિયો પણ ટ્વીટ કર્યો હતો અને માહિતી આપી હતી કે પ્રતિમાઓના પુનઃસ્થાપનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને મોડી સાંજ સુધીમાં પ્રક્રિયા પૂર્ણ થવાની આશા છે.