આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ જિલ્લામાં એક પાલતુ કૂતરો એક પરિવાર માટે કાળ બન્યો. તેના કરડવાથી પરિવારના બે સભ્યો પિતા-પુત્રના મોત થયા હતા. સ્થાનિક તેલુગુ મીડિયા અનુસાર, આ ઘટના ભીમુનિપટ્ટનમ વિસ્તારના એગુવાપેટામાં બની હતી. મૃતકોની ઓળખ અલીપલ્લી નરસિમ્હા રાવ (59) અને તેમના પુત્ર ભાર્ગવ (27) તરીકે થઈ છે. રાવની પત્ની ચંદ્રાવતી (57)ને પણ કૂતરો કરડ્યો હતો, પરંતુ તેને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હાઈલાઈટ્સ
- પાલતુ કૂતરો એક પરિવાર માટે કાળ બન્યો
- એક જ પરિવારના ત્રણ સભ્યોને કરડ્યો
- કૂતરાના કરડવાથી પિતા-પુત્રનું મોત
- માતાને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી
શું છે સમગ્ર મામલો?
નરસિમ્હા રાવ વ્યવસાયે માછીમાર હતા અને તેમના પરિવાર સાથે એગુવાપેટામાં રહેતા હતા. તેણે ઘરમાં એક કૂતરો રાખ્યો હતો. રાવના સંબંધીઓએ જણાવ્યું કે બે અઠવાડિયા પહેલા રાવ, તેમની પત્ની અને પુત્રને કૂતરો કરડ્યો હતો. કૂતરાએ રાવને પગમાં અને પુત્રને નાક પર કરડ્યો હતો. કૂતરા કરડવાના બે દિવસ બાદ તેનું મોત થયું હતું. આ પછી, પરિવારને સ્થાનિક હોસ્પિટલમાં પ્રથમ હડકવાનું ઈન્જેક્શન લીધુ હતુ.
ડોકટરોએ ઘરની મુલાકાત લીધી
સંબંધીઓએ જણાવ્યું હતું કે ભાર્ગવનું 4 દિવસ પછી મૃત્યુ થયું હતું, જ્યારે તેના પિતા રાવનું મૃત્યુ 2 દિવસ પછી થયું હતું. રાવ પેરાલિસિસથી પીડાતા હતા. ભીમલી અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર કલ્યાણ ચક્રવર્તીએ બુધવારે પીડિતાના ઘરે મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે પરિવારના સભ્યોને 31 મેના રોજ આરોગ્ય કેન્દ્રમાં રસી આપવામાં આવી હતી, પરંતુ તેઓએ માત્ર પ્રથમ ડોઝ લીધો હતો અને બાકીનો ડોઝ લીધો ન હતો. ચંદ્રાવતીની તબિયત સારી છે.