દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૌથી વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને મોડી રાત્રે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા.
હાઈલાઈટ્સ
- લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી
- દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરાયા
- યુરોલોજી વિભાગના તબીબો કરી રહ્યા છે સારવાર
દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’થી સન્માનિત અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના સૌથી વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીને મોડી રાત્રે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે અને તેમને તબીબોના નિરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીને એમ્સના જૂના ખાનગી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
યુરોલોજી વિભાગના તબીબો તેમની સારવાર કરી રહ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે પૂર્વ નાયબ વડાપ્રધાન અડવાણીને વય સંબંધિત સમસ્યાઓના કારણે AIIMSમાં દાખલ કરવા પડ્યા હતા. તેઓ લગભગ એક દાયકાથી સક્રિય રાજકારણથી દૂર છે. હાલમાં જ તેમની અને વડાપ્રધાન મોદીની એક તસવીર સામે આવી હતી. પ્રસંગ હતો- NDA સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન મોદી તેમને તેમના ઘરે મળવા ગયા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ઔપચારિક સમારોહમાં 96 વર્ષીય અડવાણીને ‘ભારત રત્ન’ અર્પણ કર્યો. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણીના પરિવારજનોએ હાજરી આપી હતી.
8 નવેમ્બર, 1927ના રોજ કરાચી, પાકિસ્તાનમાં જન્મેલા અડવાણી, 1998 અને 2004 વચ્ચે ભાજપની આગેવાની હેઠળની NDA સરકારમાં ગૃહ પ્રધાન હતા. તેમણે સ્મૃતિ શેષ અટલ બિહારી વાજપેયીની સરકારમાં 2002 અને 2004 વચ્ચે દેશના સાતમા નાયબ વડાપ્રધાન પદ સંભાળ્યું હતું.