રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિને અગ્રતા આપીને સમગ્ર દેશમાં તેનો વ્યાપ વધારવા વિચાર-વિમર્શ કર્યો હતો. કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના વિસ્તારમાં વિશેષ રસ દાખવ્યો હતો.
હાઈલાઈટ્સ
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાથે શુભેચ્છા મુલાકાત કરી
- પ્રાકૃતિક કૃષિને અગ્રતા આપીને રાષ્ટ્રીય કક્ષાએ વ્યાપ વધારવા વિસ્તૃત વિચાર-વિમર્શ
- શિવરાજસિંહ ચૌહાણે પણ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિના વિસ્તારમાં વિશેષ રસ દાખવ્યો
પ્રવર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સમયની માંગ છે. ભારતમાં ભૂમિનો ઓર્ગેનિક કાર્બન દિવસો દિવસ ઘટી રહ્યો છે. રાસાયણિક ખાતર અને પેસ્ટીસાઈડ્સના બેફામ ઉપયોગને કારણે ફળદ્રુપતા તો ઘટી જ છે, પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. અનાજ-શાકભાજી અને ફળફળાદીમાં રસાયણોના બેફામ ઉપયોગથી ભોજનમાં ધીમું ઝેર લોકોના શરીર સુધી પહોંચી રહ્યું છે, પરિણામે ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. રાસાયણિક ખેતીથી ખેડૂતોનું ઉત્પાદન ખર્ચ વધ્યું છે, આવકમાં વૃદ્ધિ થતી નથી. આવા સંજોગોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ એક માત્ર ઉપાય છે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદન ખર્ચ ઓછું આવશે અને અનાજ-શાકભાજીની ગુણવત્તા પણ સુધરે છે. ગુજરાતની જેમ ભારતના અન્ય રાજ્યોમાં પણ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે વિસ્તૃત ચર્ચા-વિચારણા થઈ હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમગ્ર રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને અગ્રતા આપવા અનુરોધ કર્યો હતો.