જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુરુવારે કઠુઆ આતંકી હુમલામાં આતંકવાદીઓને મદદ કરનાર જૈશ-એ-મોહમ્મદ (JEM)ના બે સહયોગીની ધરપકડ કરી હતી.
હાઈલાઈટ્સ
- સુરક્ષા દળોની મોટી કાર્યવાહી
- જૈશ-એ-મોહમ્મદના બે સહયોગીઓની ધરપકડ
- કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તારમાંથી ધરપકડ કરાઈ
જમ્મુ અને કાશ્મીર પોલીસે ગુરુવારે કઠુઆ આતંકી હુમલામાં આતંકવાદીઓને મદદ કરનાર જૈશ-એ-મોહમ્મદ (JEM)ના બે સહયોગીની ધરપકડ કરી હતી. આ બે આતંકવાદી સહયોગીઓની સતત પૂછપરછથી આતંકવાદીઓને વ્યૂહાત્મક અને લોજિસ્ટિક સપોર્ટ પૂરા પાડવામાં સામેલ લોકોની વધુ ધરપકડ થવાની શક્યતા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે કઠુઆ જિલ્લાના પહાડી વિસ્તારમાંથી જૈશના બે આતંકવાદી સહયોગીઓની ધરપકડ કરવામાં આવી છે. 10 જુલાઈના રોજ, કઠુઆ જિલ્લાના બડનોટા ગામમાં આતંકવાદીઓએ સેનાના વાહન પર હુમલો કર્યો ત્યારે ચાર સૈનિકો અને એક સ્થાનિક પોલીસ સહિત પાંચ સુરક્ષાકર્મીઓ શહીદ થયા હતા.
જમ્મુ વિભાગના રાજૌરી, પૂંચ, ડોડા, કઠુઆ, રિયાસી અને ઉધમપુર સહિતના પહાડી જિલ્લાઓમાં 40 હાર્ડકોર વિદેશી આતંકવાદીઓની હાજરી નોંધાઈ છે. શાંતિપૂર્ણ જમ્મુ વિભાગમાંથી આતંકવાદને ખતમ કરવા માટે સેનાએ ટોચના પેરા કમાન્ડો અને પર્વતીય યુદ્ધમાં પ્રશિક્ષિત સૈનિકો સહિત 4,000 થી વધુ સૈનિકો તૈનાત કર્યા છે.