Paris Olympics 2024 Neeraj Chopra Final : પેરિસ ઓલિમ્પિક 2024નો 13મો દિવસ ભારતીય ખેલાડીઓ અને દેશવાસીઓ માટે ખાસ રહેવાનો છે. કારણ કે આજે એટલે કે 8મી ઓગસ્ટે નીરજ ચોપરા ભાલા ફેંક ઈવેન્ટની ફાઈનલ રમી રહ્યો છે.
હાઈલાઈટ્સ :
- નીરજ ચોપરાએ 2021માં ટોક્યોમાં ગોલ્ડ જીતીને ઇતિહાસ રચ્યો
- પેરિસ ઓલિમ્પિકમાં આજે નીરજ ચોપરા ફાઈનલ રમશે
- નીરજ ચોપરા ફાઇનલ ભારતીય સમય અનુસાર રાત્રે 11:50 વાગ્યે શરૂ થશે
ભારતનો સ્ટાર ખેલાડી નીરજ ચોપરા આજે ઈતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યો છે. તે પેરિસ ઓલિમ્પિક 2024માં ભાલા ફેંક ઈવેન્ટની ફાઇનલમાં ભાગ લેશે અને ગોલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવવાનો પ્રયાસ કરશે. જો નીરજ ચોપરા ગોલ્ડ મેડલ જીતશે તો તે ઓલિમ્પિક ઈતિહાસમાં ભાલા ફેંકનું ટાઈટલ જાળવી રાખનાર પાંચમો ખેલાડી બની જશે. આ સાથે તે વ્યક્તિગત ઈવેન્ટમાં બે ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બની જશે.
નીરજ ચોપરાની આજે (8મી ઓગસ્ટ) ફાઈનલ મેચ યોજાવા જઈ રહી છે અને તેમના પરિવારના સભ્યો તેમના ગામમાં આ મેચ જોવા માટે જોરશોરથી તૈયારી કરી રહ્યા છે. પરિવારને આશા છે કે નીરજ ચોપરાની આ મેચ ભારતીય ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.
નીરજ ચોપરાના પિતા સતીશ ચોપડાએ કહ્યું કે, “બધા લોકો 11:55 વાગ્યાની રાહ જોઈ રહ્યા છે, ક્યારે મેચ શરૂ થશે. અમને આશા છે કે નીરજ ગોલ્ડ લાવશે અને ભારતનું ગૌરવ વધારશે.” નીરજની માતાને પણ તેના પુત્ર પાસેથી ગોલ્ડની આશા છે.
નીરજની માતાએ કહ્યું, “તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને નીરજે સખત મહેનત કરી છે, જે પણ થવાનું છે તે તેની તરફેણમાં થશે. દરેક ઘર અને ગામમાં તેની મેચને લઈને ઘણી ઉત્તેજના છે. અમને પૂરી આશા છે કે તે ગોલ્ડ જીતશે. ”
આ ખેલાડીઓએ ભાલા ફેંકમાં પોતાનું ટાઇટલ જાળવી રાખ્યું હતું
એરિક લેમિંગ (સ્વીડન; 1908 અને 1912), જોની માયરા (ફિનલેન્ડ; 1920 અને 1924), એન્ડ્રેજ જાન ઝેલેઝની (ચેક રિપબ્લિક; 1992, 1996 અને 2000) અને એન્ડ્રેસ થોર્કિલ્ડસેન (નોર્વે; 2004 અને 2008).
ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન
નીરજ ચોપરાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પહેલા જ પ્રયાસમાં 89.34 મીટરનો થ્રો કર્યો અને સીધો ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ તેનો સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો અને તેની કારકિર્દીનો બીજો સર્વશ્રેષ્ઠ થ્રો હતો.
ફાઈનલ ક્યારે અને ક્યાં યોજાશે?
નીરજ ચોપરાની ભાલા ફેંકની ફાઈનલ આજે એટલે કે 8મી ઓગસ્ટે યોજાશે. આ મેચ પેરિસના આઇકોનિક સ્ટેડ ડી ફ્રાન્સમાં રમાશે. ભારતીય સમય અનુસાર નીરજ ચોપરાની ફાઈનલ 11:55 કલાકે શરૂ થશે.