હાઈલાઈટ્સ
- લક્ફ બિલને લઈને કિરેન રિજિજુનો વિપક્ષને કરારો જવાબ
- ‘વક્ફ બિલ કોઈની ધાર્મિક સ્વતંત્રતા છીનવી લેતું નથી : કિરેન રિજિજુ
- આ બિલ કોઈપણ ધાર્મિક સંસ્થાની સ્વતંત્રતામાં દખલ નહીં કરે : કિરેન રિજિજુ
કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ ગુરુવારે લોકસભામાં વક્ફ (સુધારા) બિલ, 2024ની રજૂઆત પછી જવાબ આપતા કહ્યું કે બિલમાં કોઈપણ ધાર્મિક સંસ્થાની સ્વતંત્રતા સાથે દખલ કરવામાં આવી નથી.
બિલ પર વિપક્ષની આશંકાઓને નકારી કાઢતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ બિલ કોઈપણ ધાર્મિક સંસ્થાની સ્વતંત્રતામાં દખલ નહીં કરે. કોઈના અધિકારો છીનવી લેવાનું ભૂલી જાઓ, આ બિલ એવા લોકોને આપવા માટે લાવવામાં આવ્યું છે જેમને ક્યારેય અધિકાર નથી મળ્યા. તેમણે કહ્યું કે બિલ પર વિપક્ષની તમામ આશંકાઓ દૂર કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે વકફ એક્ટ, 1995માં સુધારો કરવા માટે વકફ (સુધારા) બિલ, 2024 રજૂ કર્યું છે. આ બિલનો ઉદ્દેશ્ય રાજ્ય વકફ બોર્ડની સત્તા, વકફ મિલકતોની નોંધણી, સર્વેક્ષણ અને અતિક્રમણ દૂર કરવા સંબંધિત મુદ્દાઓને અસરકારક રીતે ઉકેલવાનો છે.
ડીએમકે, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સભ્યોએ આ બિલને સંઘીય પ્રણાલી અને બંધારણ પર હુમલો ગણાવ્યું, જ્યારે ભાજપ અને તેના સહયોગીઓએ આ પગલાનો બચાવ કર્યો. જેડીયુ અને ટીડીપીએ બિલનું સમર્થન કર્યું અને કહ્યું કે આ બિલ મુસ્લિમ વિરોધી નથી.
કોંગ્રેસે કહ્યું કે હિંદુ હોવા છતાં તે અન્ય ધર્મોનું સન્માન કરે છે. હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ તેને મુસ્લિમો પર હુમલો ગણાવ્યો, જ્યારે જેડીયુ સહિત એનડીએના સહયોગીઓએ બિલનો બચાવ કરતા કહ્યું કે તેનો ઉદ્દેશ્ય પારદર્શિતા લાવવાનો છે.
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે અમે હિંદુ છીએ પરંતુ સાથે જ અન્ય ધર્મોની આસ્થાનું પણ સન્માન કરીએ છીએ. આ બિલ મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી માટે ખાસ છે. તમે નથી સમજતા કે છેલ્લી વખત ભારતના લોકોએ તમને સ્પષ્ટ રીતે પાઠ ભણાવ્યો હતો. આ ફેડરલ સિસ્ટમ પર હુમલો છે. આ બિલ બંધારણ પર મૂળભૂત હુમલો છે. આ બિલ દ્વારા તેઓ એવી જોગવાઈ કરી રહ્યા છે કે બિન-મુસ્લિમો પણ વક્ફ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય હશે. આ ધર્મની સ્વતંત્રતા પર સીધો હુમલો છે. આ પછી તમે ખ્રિસ્તીઓમાં જશો, પછી જૈનો પાસે. ભારતની જનતા હવે આ પ્રકારની વિભાજનકારી રાજનીતિને સહન કરશે નહીં.
ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે આ કલમ 30નું સીધું ઉલ્લંઘન છે જે લઘુમતીઓને તેમની પોતાની સંસ્થાઓનું સંચાલન કરવાનો અધિકાર આપે છે. આ બિલ ચોક્કસ ધાર્મિક જૂથને નિશાન બનાવે છે. તેમણે પૂછ્યું કે શું સરકાર મુસ્લિમોને હિંદુ મંદિરના સંચાલક મંડળનો ભાગ બનવા દેશે.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આ બિલ એ વાતનો પુરાવો છે કે એનડીએ સરકાર મુસ્લિમ વિરોધી છે. તેમણે કહ્યું કે આ બિલ બંધારણની કલમ 14, 15 અને 25ના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. આ બિલ ભેદભાવપૂર્ણ અને મનસ્વી બંને છે. આ બિલ લાવીને તમે (કેન્દ્ર સરકાર) દેશને એક કરવા માટે નહીં પરંતુ તેને વિભાજિત કરવાનું કામ કરી રહ્યા છો.
આરએસપી સાંસદ એનકે પ્રેમચંદ્રને લોકસભામાં કહ્યું કે સરકાર વક્ફ બોર્ડ અને વક્ફ કાઉન્સિલને સંપૂર્ણપણે નબળી કરી રહી છે. તમે સિસ્ટમનો નાશ કરી રહ્યા છો. આ બંધારણના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
NCP-SCP સાંસદ સુપ્રિયા સુલેએ સરકારને વિનંતી કરી કે તે બિલને સંપૂર્ણપણે પાછું ખેંચી લે અથવા તેને સ્થાયી સમિતિમાં મોકલે.
ભાજપના સાથી અને જેડી(યુ)ના સાંસદ અને કેન્દ્રીય મંત્રી રાજીવ રંજને આ બિલ મુસ્લિમો વિરુદ્ધ હોવાના આરોપને ફગાવી દીધો હતો. તેમણે કહ્યું કે આ કેવી રીતે મુસ્લિમો વિરુદ્ધ છે? આ કાયદો પારદર્શિતા લાવવા માટે બનાવવામાં આવી રહ્યો છે. વિપક્ષ તેની સરખામણી મંદિરો સાથે કરી રહ્યા છે, તેઓ મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હટાવી રહ્યા છે. કેસી વેણુગોપાલ (કોંગ્રેસ) એ જણાવવું જોઈએ કે કેવી રીતે હજારો શીખોની હત્યા કરવામાં આવી. કયા ટેક્સી ડ્રાઈવરે ઈન્દિરા ગાંધીની હત્યા કરી? હવે, તેઓ લઘુમતીઓ વિશે વાત કરી રહ્યા છે.
બીજેપી સાંસદ હેમા માલિનીએ કહ્યું કે વિપક્ષ હંમેશા વિરોધ કરે છે, આ તેમનું કામ છે. તેઓ સારી વસ્તુને ખરાબ પણ કહે છે. વડાપ્રધાન ઘણી સારી યોજનાઓ લાવ્યા છે, પરંતુ તેઓ કહે છે કે આ બધી બાબતો ખોટી છે. મેં પણ છેલ્લા 10 વર્ષથી આ જોયું છે.
સમાજવાદી પાર્ટીના સાંસદ અખિલેશ યાદવે બિલનો વિરોધ કર્યો અને કહ્યું કે આ બિલ ખૂબ જ જાણી જોઈને રાજકારણ માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. સ્પીકર સાહેબ, ‘મેં લોબીમાં સાંભળ્યું છે કે તમારા કેટલાક અધિકારો પણ છીનવાઈ રહ્યા છે અને અમારે તમારા માટે લડવું પડશે. હું આ બિલનો વિરોધ કરું છું.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખિલેશના નિવેદન સામે વાંધો વ્યક્ત કર્યો હતો. શાહે કહ્યું કે અખિલેશજી, તમે આવી વાત ન કરી શકો.