અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક 2024માં કુસ્તી ઈવેન્ટમાં ભારત માટે પહેલો મેડલ જીત્યો હતો. આ મેડલ મેચ પહેલા તેણે આખી રાત ઉંઘ ના લીધી અને જીમમાં સખત મહેનત કરી હતી.
હાઈલાઈટ્સ :
- પેરિસ ઓલિમ્પિકમાં અમન સેહરાવતે કુસ્તીમાં જીત્યો બ્રોન્ઝ
- પ્યુર્ટો રિકોના કુસ્તીબાજ 13-5 થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો
- આ સાથે ભારતને પેરિસ ઓલિમ્પિકમાં છઠ્ઠો મેડલ મળ્યો
- પેરિસ ઓલિમ્પિકમાં ભારતે 6 મેડલ જીત્યા, જેમાં પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર
ભારતે પેરિસ ઓલિમ્પિકમાં છઠ્ઠો મેડલ જીત્યો છે. આ વખતે ભારતીય રેસલર અમન સેહરાવતે દેશને ગૌરવ અપાવ્યું છે. તેણે પુરુષોની ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. અમને પ્યુર્ટો રિકોના ડેરિયન ટોઇ ક્રુઝને 13-5થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે અમન સેહરાવત ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સાતમો ભારતીય રેસલર બન્યો છે.અમાનને સેમિફાઇનલ મેચમાં જાપાનના રેઇ હિગુચીના હાથે 0-10થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે અમને બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ઉજવણી કરવાનો અને ગર્વ કરવાનો મોકો આપ્યો છે.
પેરિસ ઓલિમ્પિકમાં ભારતે 6 મેડલ જીત્યા છે, જેમાં પાંચ બ્રોન્ઝ અને એક સિલ્વર છે. સૌ પ્રથમ મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેળવ્યો હતો. ત્યારબાદ શૂટિંગની મિશ્ર ટીમ ઈવેન્ટમાં મનુ અને સરબજોત સિંહે બીજો બ્રોન્ઝ જીત્યો હતો. સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ અને નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો હતો. હવે કુસ્તીબાજ અમને બ્રોન્ઝ મેડલ જીતીને ભારતને છઠ્ઠો મેડલ અપાવ્યો છે.
ઓલિમ્પિક 2028માં ગોલ્ડનું વચન આપ્યું હતું
અમન સેહરાવતનું સપનું ગોલ્ડ જીતવાનું હતું, પરંતુ બ્રોન્ઝ મેડલ જીત્યા બાદ પણ તે ખુશ છે. તેણે કહ્યું- “હું મેડલ જીતવાના સપના સાથે ઓલિમ્પિકમાં આવ્યો હતો. ગોલ્ડ જીતવા માંગતો હતો, પરંતુ જે પણ થાય છે તે સારા માટે જ થાય છે. આગામી વખતે હું વધુ સારી તૈયારી સાથે આવીશ. આ મારા માટે એક મોટું પ્રોત્સાહન છે, અને હવે મને ખાતરી છે કે હું 2028 ઓલિમ્પિકમાં ચોક્કસપણે સારું પ્રદર્શન કરીશ.
પેરિસ ઓલિમ્પિકમાં અમનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું
પેરિસ ઓલિમ્પિક 2024માં, અમન સેહરાવત ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે પ્રી-ક્વાર્ટર ફાઈનલ અને ક્વાર્ટર ફાઈનલ મેચ જીતવામાં સફળ રહ્યો હતો. પરંતુ સેમી ફાઈનલ મેચમાં તેને જાપાની ફ્રીસ્ટાઈલ રેસલર રેઈ હિગુચીએ ટેકનિકલ શ્રેષ્ઠતાના આધારે પરાજય આપ્યો હતો. જે બાદ તેણે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં પ્યુર્ટો રિકોના ફ્રી સ્ટાઈલ રેસલર ડેરિયન ક્રુઝને 13-5થી હરાવ્યો અને બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહ્યો.