હાઈલાઈટ્સ
- RG KAR મેડિકલ કોલેજને લઈને મોટા સમાચાર
- RG KAR મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ વિરુદ્ધ નોંધાઈ FIR
- ભ્રષ્ટાચાર કરતા હોવાનો લાગ્યો આરોપ
કોલકાતા પોલીસે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. જૂનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી ત્યારથી કેસની તપાસ ચાલી રહી છે અને રાજ્ય પોલીસ હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહી છે. ઘોષ પર કયા પ્રકારની નાણાકીય ગેરરીતિઓનો આરોપ છે તેની માહિતી બહાર આવી નથી.
પશ્ચિમ બંગાળ સરકારે SITની રચના કરી
આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો આ મામલો 2021 સાથે સંબંધિત છે, જેની તપાસ માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. એસઆઈટી ઈન્સ્પેક્ટર જનરલ પ્રણવ કુમારની અધ્યક્ષતામાં તપાસ કરી રહી છે અને તેમાં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ સૈયદ વકાર રઝા, ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી) ઈન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ સોમા મિત્રા દાસ અને કોલકાતા પોલીસના ડેપ્યુટી કમિશનર ઈન્દિરા મુખર્જી જેવા ટોચના અધિકારીઓનો સમાવેશ થાય છે. આ ટીમ ઘોષના કાર્યકાળ દરમિયાન થયેલી નાણાકીય ગેરરીતિઓની તપાસ કરશે અને રિપોર્ટ સબમિટ કરશે.
મહિલા ડોક્ટરની હત્યા બાદ RG કાર હોસ્પિટલ વિવાદમાં આવી હતી
9 ઓગસ્ટના રોજ આરજી કાર મેડિકલ કોલેજના સેમિનાર હોલમાં મહિલા ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ડૉક્ટરની હત્યા પહેલા બળાત્કારની પુષ્ટિ થઈ છે. તેની આંખ, મોં, પગ, ગરદન, હાથ, કમર અને પ્રાઈવેટ પાર્ટ પર ઘણી ઈજાઓ હતી. આ કેસમાં પોલીસે હોસ્પિટલની મુલાકાત લેનાર સિવિલિયન વોલેન્ટિયર સંજય રોયની ધરપકડ કરી છે. હાલ આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. સુરક્ષા સહિતની અનેક માંગને લઈને ડોક્ટરો વિરોધ કરી રહ્યા છે.
ઘોષ પણ CBI તપાસ હેઠળ છે
મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના બે દિવસ બાદ ઘોષે મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ પદેથી રાજીનામું આપી દીધું હતું. તેણે કહ્યું હતું કે સોશિયલ મીડિયા પર થઈ રહેલા આરોપોથી તે દુઃખી છે. બળાત્કાર અને હત્યા કેસ સીબીઆઈને સોંપાયા બાદ ઘોષની તપાસ ચાલી રહી છે. સીબીઆઈએ છેલ્લા 4 દિવસમાં લગભગ 53 કલાક સુધી તેની કાર્યવાહીને લઈને પૂછપરછ કરી. તેમના પર સવાલો ઉઠી રહ્યા છે.
ઘોષ સરકારની નજીક છે ઘોષ પશ્ચિમ બંગાળ સરકારના નજીકના હોવાનું કહેવાય છે. તેમની બે વખત બદલી કરવામાં આવી છે, પરંતુ તેમના રાજકીય પ્રભાવને કારણે તેમણે બંને વખત તે રદ કરાવી હતી. બળાત્કાર અને હત્યાની ઘટના પછી પણ તેમણે રાજીનામું આપી દીધું હતું, પરંતુ સરકારે તેમને કલકત્તા નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ બનાવ્યા હતા. આનો વિરોધ થયા બાદ કલકત્તા હાઈકોર્ટે પણ સવાલો ઉઠાવ્યા હતા અને આગામી આદેશ સુધી ઘોષની નિમણૂક પર રોક લગાવી દીધી હતી.