હાઈલાઈટ્સ
- ઉત્તરાખંડમાં ભારે વરસાદને લીધે રોડ-રસ્તા બંધ
- ભારે વરસાતના પગલે કેદારનાથ યાત્રા સ્થગિત
- સતત વરસાદને કારણે નદીઓ ફરી એક વખત ઉભરાઈ રહી છે
- ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડના 14 રાજ્ય ધોરીમાર્ગો અને એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડના 14 રાજ્ય ધોરીમાર્ગો અને એક રાષ્ટ્રીય ધોરીમાર્ગ બંધ છે, હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સોન પ્રયાગે કેદારનાથ યાત્રીઓને આગળ વધતા અટકાવ્યા છે.
ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે અને આગામી 24 કલાક સુધી આવું જ હવામાન રહેવાની સંભાવના છે. દસ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, ટિહરી ઉત્તરકાશી અને ચમોલીમાં પણ વરસાદ પડશે. પરંતુ હવામાન વિભાગે જણાવ્યું છે કે તે હળવો રહેશે. સોનપ્રયાગની બહાર પહાડો ધસી પડવાના ભયને કારણે લગભગ ત્રણ હજાર શ્રદ્ધાળુઓને કેદારનાથ જતા અટકાવવામાં આવ્યા છે. બે દિવસ પહેલા યાત્રા રૂટ પર ભૂસ્ખલન થતા ચાર લોકોના મોત થયા હતા.
સતત વરસાદને કારણે નદીઓ ફરી એક વખત ઉભરાઈ રહી છે અને ખતરાના નિશાનની આસપાસ વહી રહી છે. જેના કારણે યુપીમાં પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વરસાદના કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનના અહેવાલો છે અને PWD અને SDRF પરિસ્થિતિને સામાન્ય બનાવવામાં વ્યસ્ત છે જેથી કરીને રસ્તાઓ ખોલી શકાય અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુચારૂ થઈ શકે.
સતત વરસાદને કારણે વાતાવરણ પણ ઠંડું થઈ ગયું છે, રાજધાની દહેરાદૂનમાં તાપમાનમાં 7 ડિગ્રીનો ઘટાડો થયો છે, હવામાન વિભાગે પણ હિમાલયના ઉપલા શિખરો પર આ સિઝનની પ્રથમ હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે.