હેડલાઈન :
- ગુજરાત સરકાર ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરશે
- 11 નવેમ્બરથી 160 થી વધુ કેન્દ્રો પરથી શરૂ કરાશે ખરીદી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાથી કરાવશે ખરીદીનો પ્રારંભ
- મગફળીના વેચાણ માટે 3,33,000 જેટલા ખેડુતોએ નોંધણી કરાવી
- 10 નવેમ્બર સુધી ખેડુતો ઓન લાઈન વેચાણ નોંધણી કરાવી શકશે
- અફવાઓથી દૂર રહેવા ખેડૂતોને કૃષિ મંત્રી રાઘવજી પટેલનો અનુરોધ
ગુજરાતમાં મબલખ ઉત્પાદનને ધ્યાને લઈ રાજ્ય સરકાર 11 નવેમ્બરથી160 કેન્દ્ર પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે.તેવી જાહેરાત કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી છે.
– 11 નવેમ્બરથી સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે
ગુજરાતમાં મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા મગફળી પકવતા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કરી સુયોગ્ય આયોજન કર્યું છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.તેમણે જણાવ્યુ કે આગામી 11 નવેમ્બરથી રાજ્યમાં 160 થી વધુ કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળી ખરીદી કરવામાં આવશે.
– CM ભૂપેન્દ્ર પટેલ સાબરકાંઠાથી કરાવશે પ્રારંભ
કૃષિ મંત્રીએ વિગતો આપતા જણાવ્યું હતું કે,સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 11 નવેમ્બરના રોજ એકસાથે રાજ્યભરના 160થી વધુ ખરીદ કેન્દ્રો ખાતે મગફળીની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવશે.ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 3,33,000 થી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે.નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી રૂ.1356.60 પ્રતિ મણના ભાવે પૂરતા પ્રમાણમાં મગફળીની ખરીદી કરવામાં આવશે.
– અફવાહોથી દૂર રહેવા કૃષિમંત્રીની ખેડુતોને અપિલ
કોઇપણ અફવાઓ કે વાતોમાં આવ્યા વગર ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા રાજ્યભરના ખેડૂતોને અનુરોધ કરતા મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે,ભારત સરકારની તાજેતરની જાહેરાત મુજબ એક દિવસમાં એક ખેડુત પાસેથી વિસ્તાર આધારિત મહત્તમ4,000 કિ.ગ્રા એટલે કે, 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવશે.ખેડુતોની લાગણી અને માંગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે વેચાણ માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવી છે.હજુ પણ નોંધણી કરાવવાની બાકી હોય તેવા તેવા ખેડુતો આગામી 10 નવેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.