હેડલાઈન :
- ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડુત હિતલક્ષી નિર્ણય
- રવિ વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું પાણી ફાળવાશે
- રાજ્ય સરકાર નર્મદાનું કુલ 30,504 MFT પાણી ફાળવશે
- ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને માટે નિર્ણય
- 60 હજાર એકર ખેતી લાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડુતોના રવિ મોસમના પાક વાવેતરને પૂરક સિંચાઈ માટે નર્મદાનું 30,504 MFT પાણી ફાળવાશે,૬૦ હજાર એકર ખેતી લાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
https://twitter.com/CMOGuj/status/1859558020625334569
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડુતોને રવિ મોસમના પાક વાવેતર માટે પૂરક સિંચાઈ અને પીવાના હેતુસર પાણીની સુવિધા પુરી પાડવા નર્મદાનું કુલ 30,504 MFT પાણી ફાળવવાનો નિર્ણય કર્યો છે.નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે.
ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર ખેડુતો દ્વારા રવિ ઋતુ દરમિયાન બહોળા પ્રમાણમાં પાકનું વાવેતર થાય તેના આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના આ પાણીની ફાળવણી કરવાનો કિસાન હિતકારી અભિગમ મુખ્યમંત્રીએ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે 16,637 MFT તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે 13,867 MFT મળી કુલ 30,504 MFT નર્મદાનું પાણી 15 માર્ચ 2025 સુધીના સમયગાળા માટે ફાળવવાનો ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે.
નર્મદાના આ પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત વિસ્તારના 952 તળાવો અને સુજલામ સુફલામ સ્પ્રેડીંગ નહેર તથા સૌની યોજનાથી સૌરાષ્ટ્ર વિસ્તારના 243 તળાવો અને 1820 ચેકડેમ થકી અંદાજે 60 હજાર એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.