હેડલાઈન :
- ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયા
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયા ખાતમુહૂર્ત-લોકાર્પણ
- સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત
- ગુજરાત હાઇકોર્ટની 21 નવી કોર્ટ બિલ્ડિંગોનું ખાતમુહૂર્ત
- રૂપિયા 133 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
- કોર્ટ કાર્યવાહીનું લાઈવ ટેલિકાસ્ટ કરનારું ગુજરાત સૌ પ્રથમ રાજ્ય
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતના હસ્તે ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરતા વિવિધ પ્રકલ્પોનું ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા.
– લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયેલ પ્રકલ્પોની વિગતો
- ગુજરાત હાઇકોર્ટની 21 નવી કોર્ટ બિલ્ડિંગોનું ખાતમુહૂર્ત
- ગુજરાત હાઇકોર્ટના એડિશનલ એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ,આઇ.ટી.સેલ બિલ્ડિંગ અને ગુજરાત સ્ટેટ જ્યુડિશિયલ એકેડમી ખાતે નવા રિક્રિએશન સેન્ટરનું લોકાર્પણ
- eGujHC વિઝન ડોક્યુમેન્ટ વર્ઝન 1.0 અને હાઇકોર્ટના ન્યૂઝલેટર ‘ન્યાય સેતુ’નું વિમોચન
- ડિજિટલ હાઇબ્રિડ હિયરિંગ પ્લેટફોર્મ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેસો માટેના ઈ-ફાઇલિંગ પ્લેટફોર્મનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
ગુજરાત હાઇકોર્ટ ખાતે રાજ્યના ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓને વધુ મજબૂત કરતા વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સૂર્યકાંતના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ તેમજ કાયદા મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ન્યાયપાલિકાને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપીને સમય અનુરૂપ ભવનો અને ટેકનોલોજીથી સુસજ્જ રાખવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ છે.આ નેમને સાકાર કરવાની દિશામાં ગુજરાત હાઇકોર્ટ ખાતે આજે રૂપિયા 133 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું છે.
વર્ષ 1960 માં ગુજરાત અલાયદું રાજ્ય બન્યું ત્યારે આકાશવાણી ભવન,નવરંગપુરા ખાતેથી શરૂ થયેલી ગુજરાત હાઇકોર્ટની સફર ઉત્તરોત્તર નવીનતમ સુવિધાઓ સાથે આગળ વધી છે એમ જણાવીને મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે આજે સોલા ખાતે સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલિટી સાથેનું ગુજરાત હાઇકોર્ટનું અદ્યતન ભવન કાર્યરત છે.ન્યાયાલયો,તેની સાથે સંકળાયેલી નવી ઇમારતો કે મકાનો બાંધવા સહિત ન્યાયાધીશો અને કોર્ટ સ્ટાફને અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો રાજ્ય સરકારનો હંમેશાં પ્રયાસ રહ્યો છે.વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યના દરેક તાલુકા મથકે પ્રિન્સિપલ સિવિલ જજની કોર્ટ કાર્યરત કરીને આપણે વડાપ્રધાન નરેન્દ્રમોદીની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની મુહિમને સાકાર કરવાની દિશામાં કામગીરી કરી છે.
સુશાસન અને લોકતંત્રમાં ગુડ ગવર્નન્સની જરૂરિયાત વિશે જણાવતાં મુખ્યમંત્રીએ કહ્યું કે કોઈ પણ દેશ કે રાજ્યના વિકાસમાં અને ગુડ ગવર્નન્સમાં કાયદો વ્યવસ્થા અને ન્યાયપ્રણાલીનું મહત્ત્વનું યોગદાન હોય છે. ન્યાયતંત્ર,વહીવટી તંત્ર અને ધારાસભા એ લોકશાહીના અને સુશાસનના આધારસ્તંભ છે.આ ત્રણેય વચ્ચેનું યોગ્ય સંકલન સુશાસન અને લોકતંત્રને ગતિમાન રાખે છે.લોકોને
સુશાસનનો પ્રત્યક્ષ અનુભવ થાય તે માટે ઝડપી ન્યાય પ્રાપ્ત થાય એ અતિ આવશ્યક છે.આ માટે રાજ્ય સરકાર ન્યાયતંત્ર અને હાઇકોર્ટની જરૂરિયાત અનુસારના સંસાધનો ઉપલબ્ધ કરાવવા કટિબદ્ધ છે.મુખ્યમંત્રીએ ઉમેર્યું કે આ માટે કાયદા વિભાગના બજેટમાં રાજ્ય સરકારે નાણાકીય ફાળવણી કરી છે. વર્ષ 2021-22 માં આ ફાળવણી 1698 કરોડ રૂપિયા હતી,જે 2024-25 માં 2586 કરોડ રૂપિયા કરવામાં આવી છે.જે ન્યાયતંત્રની કાર્યક્ષમતા વધારવા,ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ,ડિજિટલાઈઝેશન અને સુદૃઢ માનવબળ ઉપલબ્ધ કરાવવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ દર્શાવે છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે,વડાપ્રધાને ટ્રાન્સપરન્ટ,એફિશિયન્ટ અને ગુડ ગવર્નન્સ માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાધાન્ય આપ્યું છે.ગુજરાત હાઇકોર્ટે આ ક્ષેત્રે ઉદાહરણ રૂપ કાર્ય કર્યું છે.યુટ્યુબ પર કોર્ટની કામગીરીનું લાઈવ ટેલિકાસ્ટ કરનારું ગુજરાત સૌપ્રથમ રાજ્ય બન્યું છે.વર્ચ્યુઅલ કોર્ટ,ડિજિટલ પોર્ટલ, પેપરલેસ ઈ ફાઈલિંગના અભિગમ પણ રાજ્યની ન્યાયપાલિકાએ અપનાવ્યા છે.લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પો ન્યાય પ્રણાલીને ઝડપી બનાવશે, એમ તેમણે ઉમેર્યું હતું.
સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સૂર્યકાંતે આ પ્રસંગે જણાવ્યું હતું કે,કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં તેની ન્યાય વ્યવસ્થાનું મહત્વનું યોગદાન રહે છે.મજબૂત ન્યાયપાલિકા રાષ્ટ્ર ઉત્થાનના પાયાના સ્તંભમાંની એક છે. આજના આધુનિક યુગમાં મજબૂત જ્યુડિશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીનો યથાયોગ્ય ઉપયોગ ન્યાયતંત્રની સૌથી મહત્વની જરૂરિયાતો છે.આ બન્ને બાબતોના અમલીકરણમાં ગુજરાત હાઇકોર્ટ મોખરે છે.લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયેલા પ્રકલ્પો એ વાતની સાબિતી આપે છે કે ગુજરાતમાં ન્યાયતંત્રની માળખાગત સુવિધાઓ અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ડીજીટાઇઝેશન ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે.રાજ્ય સરકાર પણ હાઇકોર્ટની તમામ જરૂરિયાતો પૂર્ણ કરવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે જે આનંદદાયક બાબત છે,એમ તેમણે ઉમેર્યું હતું.
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે,માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ બનવાથી ન્યાયિક પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બને છે.રાજ્ય સરકારના હકારાત્મક અભિગમથી આજે અનેક નવાં મકાનો અને પ્રકલ્પોનો શિલાન્યાસ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે.આ જ પ્રકારે ન્યાયપાલિકાના કર્મચારીઓ માટે આરોગ્ય સુવિધા કરાવવામાં પણ રાજ્ય સરકારનો ઝડપી અને મહત્ત્વપૂર્ણસહયોગ સાંપડ્યો છે.તેમણે ઉમેર્યું કે ફેમિલી કોર્ટની કાર્યવાહી માટે ડિજિટલ હિયરિંગ પ્લેટફોર્મ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ કેસ માટે ઈ-ફાઇલિંગની સુવિધા જેવા ટેક્નોલૉજિકલ ટ્રાન્સફોર્મેશન ન્યાયિક પ્રક્રિયા ઝડપી બનાવવામાં ઉપયોગી પુરવાર થશે.પેપરલેસ ઈકો-સિસ્ટમ વિકસાવવામાં eGujHC વિઝન ડોક્યુમેન્ટ મદદરૂપ સાબિત થશે અને ભવિષ્યમાં આ ફેરફારો ક્રાન્તિકારી બની રહેશે.
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે પોતાના ઉદબોધનમાં ખાતમુહૂર્ત-લોકાર્પણ થનાર પ્રકલ્પોની માહિતી આપતા જણાવ્યું હતું કે,રાજ્યના ન્યાયતંત્રના માળખાને મજબૂત બનાવવા માટે જરૂરી તમામ માળખાકીય સુવિધાઓ અને જ્યુડિશિયલ ઈન્ફરાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત પ્રતિબદ્ધતા દર્શાવી છે તથા જરૂરી તમામ સહકાર પૂરો પાડ્યો છે.જેના પરિણામસ્વરૂપ આજે રાજ્યમાં ઉપલબ્ધ કાયદાકીય સુવિધાઓ અને જ્યુડિશિયલ ઈન્ફરાસ્ટ્રક્ચરની દેશભરમાં નોંધ લેવાઈ રહી છે.
ગુજરાત હાઇકોર્ટના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ એ.વાય. કોગ્જે,જસ્ટિસ એ.એસ.સુપેહિઆ,એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી,ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રેસિડન્ટ બ્રિજેશ ત્રિવેદી સહિત વિવિધ રાજ્યોની હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિઓ,ગુજરાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિઓ,અધિકારીઓ-પદાધિકારીઓ,કર્મચારીઓ તથા બાર કાઉન્સિલના સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.