હેડલાઈન :
- વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ લોકસભામાં રજૂ થશે
- 16 ડિસેમ્બરને સોમવારના રોજ લોકસભામાં બિલ રજૂ થશે
- કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ રજૂ કરશે બિલ
- બિલ સંયુકત સંસદિય સમિતિ JPCને ચર્ચા માટે મોકલાઈ શકે
- ગુરુવારે ‘વન નેશન,વન ઈલેક્શન’ બિલને મંજૂરી આપી હતી
- 32 રાજકીય પક્ષોનું પ્રસ્તાવને સમર્થન,15 પક્ષોએ નોંધાવ્યો વિરોધ
- PM મોદી 2019થી એક દેશ,એક ચૂંટણીના બિલના રહ્યા છે સમર્થક
કેન્દ્રીય કાયદા અને ન્યાય પ્રધાન અર્જુન રામ મેઘવાલ સોમવારે 16 ડિસેમ્બરે લોકસભામાં એક દેશ એક ચૂંટણી બિલ 2024 રજૂ કરશે.આ બિલને ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ JPC ને મોકલવામાં આવશે.
– કેન્દ્રીય કેબિનેટે બિલને મંજૂરી આપી
કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે ‘વન નેશન,વન ઈલેક્શન’ બિલને મંજૂરી આપી દીધી છે.અગાઉ સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કેબિનેટે ‘એક દેશ,એક ચૂંટણી’ પર કોવિંદ સમિતિના અહેવાલને મંજૂરી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં 73માં સ્વતંત્રતા દિવસના અવસર પર સૌથી પહેલા એક દેશ,એક ચૂંટણીનો પોતાનો વિચાર રજૂ કર્યો હતો.તેમણે કહ્યું હતું કે દેશના એકીકરણની પ્રક્રિયા હંમેશા ચાલુ રહેવી જોઈએ.વડાપ્રધાને 2024માં સ્વતંત્રતા દિવસના અવસર પર પણ આ વિચાર વ્યક્ત કર્યો હતો.
– કોણ બિલના સમર્થનમાં કોણ વિરોધમાં
હાલ દેશના અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ સમયે ચૂંટણી યોજાય છે.કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ ચાલી રહી છે.જો કે,સરકારના આ પગલાનો કોંગ્રેસ અને AAP
જેવી ઘણી ભારતીય બ્લોક પાર્ટીઓએ વિરોધ કર્યો છે.વિપક્ષનો આરોપ છે કે આનાથી કેન્દ્રમાં સત્તાધારી પક્ષને ફાયદો થશે.નીતિશ કુમારના JD(U) અને ચિરાગ પાસવાન જેવા NDA ના મુખ્ય સાથીઓએ એક સાથે ચૂંટણી યોજવાનું સમર્થન કર્યું છે.’એક દેશ, એક ચૂંટણી’ને વારંવાર ચૂંટણીઓ સાથે સંકળાયેલા ખર્ચ અને અવરોધોને ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ સુધારા તરીકે જોવામાં આવે છે.
-પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કરી હતી સમિતિની અધ્યક્ષતા
‘વન નેશન,વન ઈલેક્શન’ પર વિચારણા કરવા માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ કહ્યું કે 32 રાજકીય પક્ષોએ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું,જ્યારે 15 પક્ષોએ તેનો વિરોધ કર્યો હતો.આ ઉચ્ચ સ્તરીય સમિતિના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હતા.રામનાથ કોવિંદે ઓક્ટોબરમાં 7મા લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ લેક્ચર દરમિયાન કહ્યું હતું કે 15 વિરોધી પક્ષોમાંથી ઘણાએ અગાઉ ‘વન નેશન, વન ઇલેક્શન’ના વિચારને સમર્થન આપ્યું હતું.
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે ભારતમાં ચૂંટણી કરાવવા માટે 5 થી 5.5 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે.જો આ બિલ લાગુ થશે તો એકસાથે ચૂંટણી કરાવવા માટે માત્ર 50 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.આનાથી ઘણી બચત થશે.બાકીના નાણાંનો ઉપયોગ ઔદ્યોગિક વિકાસ માટે કરવામાં આવશે. એકંદરે આ બિલ અમલમાં આવ્યા બાદ દેશની GDP માં અંદાજે એકથી દોઢ ટકાનો વધારો થવાની સંભાવના છે.આવી સ્થિતિમાં આ વન નેશન, વન ઈલેક્શન ભારત માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.
– વન નેશન વન ઈલેક્શન પ્રસાતવનો શું છે ઉદ્દેશ્ય
આ પ્રસ્તાવનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે કરાવવાનો છે. હાલમાં,લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ પાંચ વર્ષની મુદત પૂરી થયા પછી અથવા કોઈપણ કારણસર સરકારનું વિસર્જન થાય ત્યારે અલગ-અલગ રીતે યોજાય છે.ભારતીય બંધારણમાં તેની જોગવાઈ કરવામાં આવી છે.વિવિધ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ અલગ-અલગ સમયે પૂર્ણ થાય છે,તે મુજબ તે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાય છે.જો કે,કેટલાક રાજ્યો એવા છે જ્યાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજાય છે.જેમાં અરુણાચલ પ્રદેશ,આંધ્રપ્રદેશ,ઓડિશા અને સિક્કિમ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.
તો રાજસ્થાન,મધ્યપ્રદેશ,તેલંગાણા,છત્તીસગઢ અને મિઝોરમ જેવા રાજ્યોમાં લોકસભાની ચૂંટણી પહેલા જ ચૂંટણીઓ યોજાઈ હતી,જ્યારે હરિયાણા,જમ્મુ અને કાશ્મીર,મહારાષ્ટ્ર અને ઝારખંડમાં લોકસભાની ચૂંટણી પૂરી થયાના છ મહિનામાં ચૂંટણી યોજાઈ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમયથી એક દેશ,એક ચૂંટણીના સમર્થક છે.વડાપ્રધાને 2019ના સ્વતંત્રતા દિવસે એક રાષ્ટ્ર,એક ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો હતો.ત્યારથી, ભાજપ ઘણા પ્રસંગોએ ‘એક દેશ,એક ચૂંટણી’ની વાત કરે છે.