હેડલાઈન :
- ઈઝરાયેસ -હમાસ વચ્ચે યુદ્ધ વિરામ કરાર થયો
- યુદ્ધ વિરામ ત્રણ તબક્કામાં 42 દિવસ માટે રહેશે
- યુદ્ધ વિરામ 19 જાન્યુઆરીથી અમલમાં આવશે
- 15 મહિનાથી ચાલી રહેલ યુદ્ધ અસ્થાયી રૂપે બંધ
- પ્રથમ તબક્કામાં હમાસ 33 ઇઝરાયલી બંધકો મુક્ત કરશે
- ઇઝરાયલ પેલેસ્ટિનિયન બંધકોને પણ મુક્ત કરશે
- ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ 7 ઓક્ટોબર 2023થી શરૂ થયું
- યુદ્ધ વિરામને લઈ ઈઝરાયલના PM નેતન્યાહૂનું નિવેદન
- હમાસ સાથે યુદ્ધવિરામ કરાર હજુ પૂર્ણ થયો નથી : નેતન્યાહૂ
યુદ્ધની આગમાં સળગી રહેલા મધ્ય-પૂર્વમાંથી એક રાહતના સમાચાર સા્મે આવી રહ્યા છે.જેમાં ઇઝરાયલ અને હમાસ ગાઝામાં યુદ્ધવિરામ અંગે સંમત થયા છે.આ યુદ્ધવિરામ 19 જાન્યુઆરીથી અમલમાં આવશે.બંને વચ્ચેના કરાર બાદ,છેલ્લા 15 મહિનાથી ચાલી રહેલ યુદ્ધ હવે અસ્થાયી રૂપે બંધ થવા જઈ રહ્યું છે.
આ યુદ્ધવિરામ ત્રણ તબક્કામાં થશે.જેમાં પ્રથમ તબક્કા હેઠળ હમાસ 33 ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે જ્યારે ઇઝરાયલ પેલેસ્ટિનિયન બંધકોને પણ મુક્ત કરશે.આ યુદ્ધવિરામ 42 દિવસ માટે રહેશે.આ કરાર ઇજિપ્ત,કતાર અને અમેરિકાની મધ્યસ્થીથી થયો છે.હમાસ દ્વારા શેર કરાયેલા દસ્તાવેજ મુજબ,આ યુદ્ધવિરામ રવિવારથી અમલમાં આવશે.
યુદ્ધવિરામના પહેલા જ દિવસે રવિવારે ત્રણ મહિલા ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવશે.યુદ્ધવિરામ શરૂ થયાના સાતમા દિવસે હમાસ વધુ ચાર ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે.આ રીતે હમાસ દર સાત દિવસે ત્રણ ઇઝરાયલી બંધકોને મુક્ત કરશે.યુદ્ધવિરામના છઠ્ઠા અઠવાડિયામાં હમાસ બાકીના બંધકોને પણ મુક્ત કરશે. બદલામાં,ઇઝરાયલ તેની જેલોમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે.હમાસે પેલેસ્ટિનિયન કેદીઓની યાદી નેતન્યાહૂ સરકારને સોંપી છે જેમને મુક્ત કરવામાં આવનાર છે.
યુદ્ધવિરામના બીજા તબક્કા હેઠળ બંને પક્ષો તરફથી લશ્કરી કાર્યવાહી કાયમી ધોરણે બંધ કરવામાં આવશે.આ સાથે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલી દળોને સંપૂર્ણપણે પાછી ખેંચી લેવામાં આવશે.તો વળી ત્રીજા તબક્કા હેઠળ, બંને પક્ષોના મૃત નાગરિકોના મૃતદેહ એકબીજાને સોંપવામાં આવશે.
આ યુદ્ધવિરામ પછી,વ્હાઇટ હાઉસે કહ્યું કે ઇજિપ્ત અને કતાર સાથે અમેરિકા દ્વારા ઘણા મહિનાઓની રાજદ્વારી કાર્યવાહી બાદ ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ અને બંધક કરાર પર પહોંચ્યા છે.આ કરાર ગાઝામાં લડાઈ બંધ કરશે,પેલેસ્ટિનિયન નાગરિકોને ખૂબ જ જરૂરી માનવતાવાદી સહાય પૂરી પાડશે અને 15 મહિનાથી વધુ સમય કેદમાં રહ્યા પછી બંધકોને તેમના પરિવારો સાથે ફરીથી મિલન કરાવશે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું આ યુદ્ધ 7 ઓક્ટોબર 2023 ના રોજ શરૂ થયું હતું,જ્યારે હમાસના લડવૈયાઓએ દક્ષિણ ઇઝરાયલ પર હુમલો કરીને 1200 લોકોને મારી નાખ્યા હતા અને 250 થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા.આના જવાબમાં ઇઝરાયલે હમાસ સામે યુદ્ધની ઘોષણા કરી હતી.
જો કે આ સમગ્ર કરાર અંગે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ બુધવારે મોડી રાત્રે જણાવ્યું હતું કે હમાસ સાથે યુદ્ધવિરામ કરાર હજુ પૂર્ણ થયો નથી અને તેને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ ચાલી રહ્યું છે.
નેતન્યાહૂની આ ટિપ્પણી અમેરિકા અને કતારે ગાઝામાં 15 મહિનાથી ચાલી રહેલા વિનાશક યુદ્ધને રોકવા અને મોટી સંખ્યામાં બંધકોને મુક્ત કરવાનો માર્ગ મોકળો કરનારી સમજૂતીની જાહેરાત કર્યાના કલાકો બાદ આવી છે.
આ સંઘર્ષે પશ્ચિમ એશિયાને અસ્થિર બનાવ્યું છે અને વિશ્વભરમાં વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે.કરારની જાહેરાત પછી,મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયનો રસ્તાઓ પર ઉતરી આવ્યા અને ઉજવણી કરી.
“અત્યારે આપણે જે અનુભવી રહ્યા છીએ તે કોઈ અનુભવી શકતું નથી,”મધ્ય ગાઝાના દેઇર અલ-બલાહમાં મહમૂદ વાદીએ કહ્યું.તેનું વર્ણન કરી શકાતું નથી.”હમાસે 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયલ પર હુમલો કર્યો,જેમાં 1,200 લોકો માર્યા ગયા અને 250 લોકોને બંધક બનાવ્યા.
પેલેસ્ટિનિયન આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર,ઇઝરાયલે ત્યારબાદ બદલો લેવા માટે હુમલા શરૂ કર્યા,જેમાં 46,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા.વધુમાં ગાઝાની અંદાજિત 90 ટકા વસ્તી વિસ્થાપિત થઈ ગઈ,જેના કારણે માનવતાવાદી કટોકટી સર્જાઈ.
નેતન્યાહૂએ સ્પષ્ટપણે જણાવ્યું નથી કે તેઓ કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ-શાની અને યુએસ રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા કલાકો પહેલા જાહેર કરાયેલા કરારને સ્વીકારે છે કે નહીં.
નેતન્યાહૂએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કરારની અંતિમ વિગતો નક્કી થયા પછી જ તેઓ ઔપચારિક પ્રતિભાવ આપશે.કરારની વિગતો હાલમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહી છે.કતારની રાજધાની દોહામાં ઘણા અઠવાડિયાથી કરાર માટે વાટાઘાટો ચાલી રહી હતી.
ઈઝરાયેલ -હમાસ વચ્ચેના આ યુદ્ધ વિરામ કરારને ભારત સહિતના દેશોએ આવકાર્યો છે.