વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૦થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાત લેશે. વડા પ્રધાન મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફ્રાન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર આંતરરાષ્ટ્રીય પરિષદની અધ્યક્ષતા કરશે.
બંને નેતાઓ માર્સેલ્સમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે
શુક્રવારે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં, વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ફ્રાન્સમાં, વડા પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારત-ફ્રાન્સ સીઈઓ ફોરમને સંબોધિત કરશે અને તેઓ વ્યક્તિગત અને પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટોના સ્વરૂપમાં પણ ચર્ચા કરશે. બંને નેતાઓ પેરિસની બહાર માર્સેલ્સમાં ભારતના નવા કોન્સ્યુલેટ જનરલનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. 12 ફેબ્રુઆરીની સવારે, બંને નેતાઓ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે.
મોદી ટ્રમ્પ સાથે અમેરિકામાંથી ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા અંગે ચર્ચા કરશે
વડા પ્રધાન મોદી ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીના રોજ અમેરિકાની સત્તાવાર મુલાકાત લેશે. મિસ્ત્રીએ જણાવ્યું હતું કે નવા વહીવટીતંત્રે કાર્યભાર સંભાળ્યાના ત્રણ અઠવાડિયા પછી જ વડા પ્રધાન મોદીને અમેરિકાની મુલાકાત માટે આમંત્રણ આપવું એ ભારત-અમેરિકા ભાગીદારીના મહત્વને પ્રતિબિંબિત કરે છે. અમેરિકાની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા સહીતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે એવું જાણવા મળે છે.