હેડલાઈન :
- પોક્સો કેસ મામલે ગુજરાતમાં દાખલો બેસાડતી કાર્યવાહી
- ગુજરાતમાં એક જ દિવસમાં પોક્સોના સાત આરોપીને સજા
- રાજ્યની જિલ્લા અદાલતોએ ફટકારી આજીવન કેદની સજા
- અમરેલી,વડોદરા,રાજકોટ શહેર,રાજકોટ ગ્રામ્યની બનાવો
- ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કામગીરીને બિરદાવી
- છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં પોક્સો કેસમાં 947 ચુકાદાઓમાં સજા
ગુજરાતમાં પોક્સો કેસ મામલે જિલ્લા અદાલતોએ એક જ દિવસમાં સાત અલગ અલગ ઘટનાઓના આરોપીઓને સજા ફરમાવી છે. જે દાખલો બેસાડતી કાર્યવાહી ગણી શકાય તેમ છે.
ગુજરાત સરકારે પોક્સો એક્ટ હેઠળના ગુનાઓમાં દાખલો બેસાડતી કાર્યવાહી કરી છે.રાજ્યમાં એક જ દિવસમાં અમરેલી,વડોદરા અને રાજકોટ જિલ્લાની અદાલતોએ પોક્સો કેસમાં સંડોવાયેલા સાત આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.આ ચુકાદાઓ તારીખ 25મી ફેબ્રુઆરીના રોજ આપવામાં આવ્યા હતા અને તેના દ્વારા સાત પીડિતાઓને ન્યાય મળ્યો છે.
મળતી માહિતી મુજબ અમરેલી,વડોદરા અને રાજકોટ શહેર અને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સગીરા પર દુષ્કર્મ-પોક્સોનાં જુદા-જુદા ગંભીર કેસોમાં કરવામાં આવેલી બારીક તપાસ,એકત્ર કરેલા ટેકનિકલ સહિતનાં પુરાવા,સરકારી વકીલની અસરકારક દલીલો અને FSL રિપોર્ટનાં આધારે 7 જુદા જુદા પોક્સોનાં બનાવોમાં સાતેય આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.
સમગ્ર કેસની વાત કરીએ તો અમરેલીનાં બે કેસોમાં આરોપી પકડ્યાનાં માત્ર 17 દિવસમાં ચાર્જશીટ અને ત્રીજા કેસમાં પોલીસે તે જ દિવસે આરોપીની ધરપકડ કરી હતી.જ્યારે રાજકોટ શહેરમાં રેપ વિથ મર્ડર કેસમાં પોલીસે 40 દિવસમાં જ ચાર્જશીટ કરી હતી.બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસે પાટણવાવ કેસમાં બનાવનાં દિવસે જ આરોપી પકડ્યો અને ભાયાવદર કેસમાં 7 દિવસમાં ચાર્જશીટ કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ઝડપી અને અસરકારક તપાસ બદલ પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર મહિલાઓ અને બાળકો પર થતા અત્યાચાર,શોષણ અને દુષ્કર્મના બનાવોને ડામવા માટે કટિબદ્ધ છે.મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છે કે આવા કેસોમાં પીડિતાઓ પ્રત્યે સંવેદનશીલતા અને કાળજી રાખવામાં આવે અને આરોપીઓને કડક સજા થાય તે માટે મજબૂત પુરાવાઓ સાથે કેસ રજૂ કરવામાં આવે.
સરકારની આ નીતિનું પરિણામ એ છે કે પોક્સો કેસોમાં ગુનેગારોને કડક સજા થઈ રહી છે.છેલ્લા 3 વર્ષમાં રાજ્યની અદાલતોએ પોક્સો કેસમાં 947 ચુકાદાઓમાં સજા સંભળાવી છે,જેમાં 574 આરોપીઓને આજીવન કેદ અને 11 આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવી છે.આ ચુકાદાઓ ગુજરાતમાં મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સરકારની ગંભીરતા અને પ્રતિબદ્ધતાનો પુરાવો છે.