હેડલાઈન :
- BLAના હુમલાથી ધ્રુજી ઉઠેલા પાકિસ્તાનના 2,500 સૈનિકોના રાજીનામા
- પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેકિંગની ઘટના પછી,પાડોશી દેશમાં BLA નો ખૌફ
- બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર થઈ રહેલા દરરોજ હુમલા
- હાલ હિંસા અને અસુરક્ષાનો સામનો કરી રહેલા પાકિસ્તાનના સૈનિકો
- આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનને હાથના કર્યા હૈયે વાગ્યા
પાકિસ્તાનમાં ટ્રેન હાઇજેકિંગની ઘટના પછી,પાડોશી દેશમાં બળવાખોર સંગઠન બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) દ્વારા હુમલાઓ સતત વધી રહ્યા છે. બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર દરરોજ હુમલા થઈ રહ્યા હોવાથી પાકિસ્તાની સેનાના સૈનિકોમાં આ સમયે ગભરાટનો માહોલ છે. હવે શાહબાઝ શરીફ અને પાકિસ્તાની સેના પ્રમુખ આસિફ મુનીર માટે સેનાને એક રાખવી મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. એક અહેવાલ મુજબ, છેલ્લા કેટલાક દિવસોમાં પાકિસ્તાની સેના પર થયેલા હુમલાઓ પછી, 2,500 સૈનિકોએ સેના છોડી દીધી છે.
વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે સેનામાં વધતી જતી અસુરક્ષા, સૈનિકોના વારંવાર મૃત્યુ અને પાકિસ્તાનની બગડતી આર્થિક સ્થિતિને કારણે પાકિસ્તાની સેનાના સૈનિકો નર્વસ છે. ઘણા સૈનિકો પાકિસ્તાનમાં પોતાનો જીવ જોખમમાં નાખવાને બદલે સાઉદી અરેબિયા, કતાર, કુવૈત અને યુએઈ જેવા દેશોમાં કામ કરવાનું પસંદ કરીને વિદેશમાં નાણાકીય સુરક્ષા પસંદ કરી રહ્યા છે. પાકિસ્તાની સૈન્યમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાનું કહેવાય છે, સૈનિકો સતત હિંસા અને અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે.
બગડતી સુરક્ષા પરિસ્થિતિ સૈનિકોના મનોબળને અસર કરી રહી છે અને મોટા પાયે સૈનિકોના ત્યાગથી સેનાની તાકાત અને કાર્યકારી ક્ષમતાઓ અંગે ચિંતાઓ ઉભી થઇ છે.બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકિંગ અને નોશ્કીમાં લશ્કરી કાફલા પર હુમલા જેવી તાજેતરની ઘટનાઓએ દરેકની ચિંતા વધારી દીધી છે. બંને ઘટનાઓમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઈ, જેના કારણે સૈનિકોને વિદેશમાં વૈકલ્પિક રોજગાર શોધવાની ફરજ પડી છે.
હવે જ્યારે ઘરમાં જ પાકિસ્તાન બળવાખોર સંગઠનનો ભોગ બની રહ્યુ છે.અને BLA દ્વારા સતત થઈ રહેલા હુમલાને લઈ પાક્સિતાનના સૈનિકોનું મનોબળ તૂટી રહ્યુ છે,ત્યારે કશુ જ ન સૂઝતા હવે પાકિસ્તાન આ બધા માટે ભારતને જવાબદાર ગણાવી રહ્યું છે. ત્યારે સ્પષ્ટ છે કે આતંકવાદને પ્રોત્સાહન આપતા પાકિસ્તાન માટે આજે હાથના કર્યા હૈયે વાગ્યા જેવો ઘાટ સર્જાયો છે.અને વાહિયાત રીતે દોષારોપણ ભારત પર મઢી રહ્યુ છે.