હેડલાઈન :
- દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના બંગલામાંથી રોકડ મળી આવી
- બંગલામાંથી મોટા પ્રમાણમાં રોકડ મળતા તેમની બદલી કરાઇ
- સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ન્યાયાધીશની ટ્રાન્સફરની ભલામણ કરી
- દિલ્હી HCના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ટ્રાન્સફરની ભલામણ
- ન્યાયાધિશ અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો
- જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી
- આગ બુઝાવવા ગયેલી ટીમને ત્યાં મોટી માત્રામાં રોકડ મળી આવી
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ટ્રાન્સફરની ભલામણ કરી છે.મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના ત્રણ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોના કોલેજિયમે જસ્ટિસ વર્માને તેમના મૂળ હાઇકોર્ટ એટલે કે અલ્હાબાદ હાઇકોર્ટમાં પાછા મોકલવાની ભલામણ કરી છે.સૂત્રો અનુસાર જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી.આગ બુઝાવવા ગયેલી ટીમને ત્યાં મોટી માત્રામાં રોકડ મળી આવી હતી.મોટી રકમ મળી આવતાં હોબાળો મચી ગયો હતો.કેસની માહિતી મળ્યા બાદ CJI સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને પાછા અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.
– આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા શહેરમાં નહોતા
સૂત્રો અનુસાર આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા શહેરમાં નહોતા.તેમના પરિવારના સભ્યોએ ફાયર બ્રિગેડ અને પોલીસને ફોન કર્યો.આગ ઓલવ્યા પછી ફાયર ફાઇટર્સને બંગલાના રૂમમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી.આ પછી રેકોર્ડ બુકમાં બિનહિસાબી રોકડની રિકવરીનો સત્તાવાર રેકોર્ડ નોંધવામાં આવ્યો.CJIને ઘટના વિશે જાણ કરવામાં આવી ત્યારબાદ કોલેજિયમની બેઠકમાં સૌપ્રથમ તેમને અલ્હાબાદ મોકલવાની ભલામણ કરવામાં આવી.
– ઇમર્જન્સી બેઠક બોલાવાઇ
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હાઇકોર્ટના ન્યાયાધીશના ટ્રાન્સફરની ભલામણ કરવા માટે એક ઇમર્જન્સી બેઠક યોજી હતી અને તેમાં ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી હતી.સૂત્રો અનુસાર ન્યાયાધીશ વિરુદ્ધ રિપોર્ટ આવ્યા બાદ ગુરુવારે કોલેજિયમની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.આંતરિક તપાસનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
– ટ્રાન્સફર ઉપરાંત તપાસ થશે
જસ્ટિસ યશવંત વર્માને ઓક્ટોબર 2021માં અલ્હાબાદથી દિલ્હી હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા હતા.હવે તેમને પાછા મોકલવા અને તેમની સામે તપાસ અને મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવા અંગે ચર્ચા ચાલી રહી છે.સુપ્રીમ કોર્ટ કોલેજિયમના કેટલાક સભ્યોએ સમગ્ર ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે જો જસ્ટિસ વર્માની ફક્ત બદલી કરવામાં આવે તો તે ન્યાયતંત્રની છબીને કલંકિત કરશે.