હેડલાઈન :
- કેન્ડિય લિબરલ પાર્ટીના સાંસદ ચંદ્ર આર્યને પાર્ટી બેનર હેઠળ ચૂંટણી લડવા પર પ્રતિબંધ
- કેનેડાના સાંસદ ચંદ્ર આર્ય પર ભારત સાથેના કથિત ગાઢ સંબંધના આરોપ વચ્ચે નિર્ણય
- સાંસદ ચંદ્રા આર્ય ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા
- ચંદ્ર આર્યએ કેનેડિયન સરકારને તેમની ભારત મુલાકાત વિશે જાણ કરી ન હતી
- હાલના વર્ષોમાં અનેક મુદ્દાઓને કારણે ભારત-કેનેડા સંબંધો રહ્યા છે તણાવપૂર્ણ
- ચંદ્ર આર્ય પર સંવેદનશીલ સમય વચ્ચે ભારત સાથે અંગત સંબંધો જાળવવાનો આરોપ
કેનેડાની લિબરલ પાર્ટીએ ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યને તેના બેનર હેઠળ ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો છે.ચંદ્ર આર્ય પર ભારત સરકાર સાથે કથિત ગાઢ સંબંધો હોવાના આરોપો વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.ગયા વર્ષે સાંસદ ચંદ્રા આર્ય ભારતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા જે હવે વિવાદનું કારણ બની રહ્યું છે.
એક અહેવાલ મુજબ ચંદ્ર આર્યએ કેનેડિયન સરકારને તેમની ભારત મુલાકાત વિશે જાણ કરી ન હતી.આ મુલાકાત એવા સમયે થઈ હતી જ્યારે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા.બંને દેશો વચ્ચે વેપાર અને રાજકીય મુદ્દાઓ પર મતભેદો વધી રહ્યા હતા અને આ સમય દરમિયાન કોઈ પણ સરકારી અધિકારીની ભારત મુલાકાત વિવાદને વધુ વકરી શકે છે.
– ભારત-કેનેડાના સંબંધો
તાજેતરના વર્ષોમાં અનેક મુદ્દાઓને કારણે ભારત-કેનેડા સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે.ખાલિસ્તાની ચળવળ,વેપાર કરારો અને અન્ય રાજકીય વિવાદોએ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તિરાડ ઉભી કરી છે.ચંદ્ર આર્ય પર આ સંવેદનશીલ સમય દરમિયાન ભારત સાથે અંગત સંબંધો જાળવવાનો આરોપ છે જેના કારણે તેમની રાજકીય કારકિર્દી પર પ્રશ્નો ઉભા થયા છે.
– ચંદ્ર આર્યના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન
આ પ્રતિબંધ સાથે કેનેડામાં ચંદ્ર આર્યનું રાજકીય ભવિષ્ય અનિશ્ચિત બની જાય છે.લિબરલ પાર્ટીના આ નિર્ણયથી તેમના રાજકીય કારકિર્દીમાં મોટો ઝટકો લાગ્યો છે.પાર્ટીએ આ પ્રતિબંધ લાદ્યો છે જેના કારણે તેઓ આગામી કોઈપણ ચૂંટણીમાં લિબરલ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકશે નહીં. જોકે આ મુદ્દે ચંદ્ર આર્ય તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પરંતુ આ મામલો કેનેડિયન રાજકારણ અને ભારત-કેનેડા સંબંધોમાં એક નવો વિવાદ ઉભો કરી રહ્યો છે.