હેડલાઈન :
- 15 મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રનું સમાપન થયુ
- વિધાનસભા સત્રના સમાપને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન
- વિકાસની વાતો નહીં,વિકાસ વાતોમાં નહીં : મુખ્યમંત્રી
- નક્કર અને વાસ્તવિક વિકાસનો મંત્ર : મુખ્યમંત્રી
- વિકસિત ભારત@2047 ને ચરિતાર્થ કરવા ગુજરાતે કમર કસી : મુખ્યમંત્ર
- ૨૦૭૦ સુધીમાં કાર્બન ન્યૂટ્રલ નેટ ઝીરો બનાવવાની ગુજરાતની નેમ
- રાજ્યના 97 ટકા ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ
- પ્રો-એક્ટિવ ગવર્નન્સ સાથે કાર્યક્ષમ સરકારનું ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રના અંતિમ દિવસે વિધાનગૃહને સંબોધન કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત@2047ના નિર્માણ માટે જે સંકલ્પ કર્યો છે તેને પાર પાડવામાં ગુજરાત પ્રતિબદ્ધ છે.
:: મુખ્યમંત્રીના સંબોધનના મુખ્ય મુદ્દા
- વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતની દિશા તય કરીને 7 કરોડ ગુજરાતીઓના સપના-આકાંક્ષાઓ મૂર્તિમંત કરવા વિકસિત ગુજરાત રોડમેપ કંડાર્યો છે.
- આગામી પાંચ વર્ષ માટે 50 હજાર કરોડ રૂપિયાનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની બજેટમાં જાહેરાત કરી છે
- અર્નિંગ વેલ – લિવિંગ વેલના મુખ્ય આધાર પર ગુજરાતના સર્વગ્રાહી ભાવિ વિકાસનો નિર્ધાર
- ગરીબ,યુવાઓ,અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી વિકાસ સાથે અર્થતંત્રના પાયાના ક્ષેત્રોના વિકાસ પર ફોકસ કર્યુ
વર્ષ 2070 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ નેટ ઝીરો બનાવવાની ગુજરાતની નેમ છે. - રાજ્યના 97 ટકા ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ
- હોલિસ્ટિક હેલ્થ કેર સુવિધાઓ 2047 સુધીમાં વધુ સંગીન બનાવીને એવરેજ લાઇફ એક્સપેક્ટન્સી 70 વર્ષથી વધારીને 84 વર્ષ કરવા સરકારનો ધ્યેય
- પ્રો-એક્ટિવ ગવર્નન્સ સાથે કાર્યક્ષમ સરકારનું ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું.
- પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનામાં પણ લગભગ ૪૨ ટકાના યોગદાન સાથે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રમિ સ્થાને
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસની ગાથા અને 2047 સુધીના વિકસિત ગુજરાતનું વિઝન સ્પષ્ટ કરતા કહ્યું કે,‘વિકાસની વાતો નહીં, વિકાસ વાતોમાં નહીં’ નક્કર અને વાસ્તવિક વિકાસના મંત્ર સાથે વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાત@2047 ને ચરિતાર્થ કરવા ગુજરાતે કમર કસી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15મી વિધાનસભાના છઠ્ઠા સત્રના અંતિમ દિવસે વિધાનગૃહને સંબોધન કર્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત@2047ના નિર્માણ માટે જે સંકલ્પ કર્યો છે તેને પાર પાડવામાં ગુજરાત પ્રતિબદ્ધ છે.
વડાપ્રધાનના આ સંકલ્પને પાર પાડવા માટે ગુજરાતે ભાવિ વિકાસની દિશા તય કરીને 7 કરોડ ગુજરાતીઓના સપના-આકાંક્ષાઓ મૂર્તિમંત કરવા માટે વિકસિત ગુજરાત@2047રોડમેપ કંડાર્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વિધાનગૃહમાં વિકસિત ગુજરાત@2046 માટે રોડમેપની છણાવટ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં અત્યાર સુધીના થયેલા અવિરત વિકાસને પાયામાં રાખીને આ ડોક્યુમેન્ટમાં આગામી ૨૫ વર્ષ માટે રાજ્યના ભાવિ વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કર્યા છે.
એટલું જ નહિ આર્થિક વિકાસના યોગ્ય સંસાધનો,આવકના સ્ત્રોત સૌને ઉપલબ્ધ કરાવીને દરેક પરિવારની આર્થિક સમૃદ્ધિને અર્નિંગ વેલ અને લિવિંગ વેલથી સુનિશ્ચિત કરવાનું લક્ષ્ય પણ રાખ્યું છે.વિકસિત ગુજરાતના નિર્માણ માટે આગામી પાંચ વર્ષ માટે 50 હજાર કરોડ રૂપિયાનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાત આ વર્ષના બજેટમાં કરી છે તેનો મુખ્યમંત્રીશ્રી ઉલ્લેખ કર્યો હતો.
વિકસિત ગુજરાતના નિર્માણ માટે રાજ્ય સરકારના પ્રયાસો વર્ણવતા મુખ્યમંત્રીએ કહ્યું કે,રાજ્યમાં ઉદ્યોગ-ધંધા, વેપાર,રોજગારની સમાન તકો સુનિશ્ચિત કરી છે.ગ્યાન એટલે કે ગરીબ,અન્નદાતા,યુવાનો અને નારીશક્તને કેન્દ્ર સ્થાને રાખીને તેમના સર્વાંગી વિકાસ સાથે અર્થતંત્રના પાયાના ક્ષેત્રોના વિકાસ પર ફોકસ કર્યુ છે.
અર્થતંત્રના પાયાના ક્ષેત્રો કૃષિ,ઉદ્યોગ અને સર્વિસ સેક્ટરના સર્વગ્રાહી વિકાસની સાથે વિકાસ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને પણ એટલું જ પ્રાધાન્ય આપ્યું છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે રાજ્યમાં કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસની વાત કરતા અન્નદાતાનો કૃષિ ખર્ચ ઘટે અને તેમની આવક વધે તેવા રાજ્ય સરકારના સફળ પ્રયાસોની પણ ભૂમિકા આપી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે,રાજ્યના 97 ટકા ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી આપીને તેમને રાતના ઉજાગરામાંથી પણ મુક્તિ આપી છે.
મુખ્યમંત્રીએ વાઈબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત વિશ્વના ઔદ્યોગિક નકશે અગ્રિમ હરોળમાં ચમક્યું છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાતે પરંપરાગત ઉદ્યોગોથી આગળ વધીને રાજ્યમાં હાઈટેક ઇન્ડસ્ટ્રીઝ સ્થાપનાને વેગ આપ્યો છે.
રાજ્યમાં સેમિકન્ડક્ટર અને ગ્રીન હાઈડ્રોજન જેવા નવા ક્ષેત્રો અને ઉભરતા ક્ષેત્રો માટે નીતિ નિર્માણના પરિણામે રાજ્યમાં ત્રણ-ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ આકાર લઈ રહ્યા છે તેની સાથે ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશનું નેતૃત્વ કરશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI)આધારિત ઉદ્યોગોને વેગ આપવા માટે ગિફ્ટ સિટી ખાતે AI સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરી છે અને ડિફેન્સ અને એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ગુજરાતના યોગદાનની વિગતો તેમણે આપી હતી.
ક્લાઈમેટ ચેન્જની સમસ્યાને પહોંચી વળવા ભારતે 2070 સુધીમાં કાર્બન ન્યુટ્રલ-નેટ ઝીરો રાષ્ટ્ર બનવાનું જે લક્ષ્ય રાખ્યું છે તેને ગુજરાત પણ સાકાર કરશે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતે લીડ લીધી છે તેની વિગતો આપતા કહ્યું કે,રાજ્યની કુલ સ્થાપિત વીજ ક્ષમતામાંથી ૫૫ ટકા ક્ષમતા રિન્યુએબલ એનર્જીની છે. પીએમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનામાં પણ લગભગ 42 ટકાના યોગદાન સાથે સમગ્ર દેશમાં ગુજરાત અગ્રમિ સ્થાને છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,રાજ્યમાં ઉદ્યોગ અને રોજગાર વિકાસની તકો વધારવાની સાથે સાથે લોકોનું જીવનધોરણ સરળ બને તે માટે લિવિંગ વેલ પર ફોકસ કરીને આયોજનબદ્ધ રીતે સરકાર આગળ વધી રહી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે,હોલિસ્ટિક હેલ્થકેર સુવિધાઓ સુદ્રઢ કરીને ગુજરાતીઓનું હાલનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય 70 વર્ષ છે તેને વધારીને 2047 સુધીમાં 8 વર્ષ કરવા માટે રાજ્ય સરકાર પ્રયાસરત છે.એટલું જ નહિ રાજ્ય સરકારે પોષણ અને આરોગ્યના પેરામીટર પર પણ વિશેષ ફોકસ કર્યું છે.બાળકોના શિક્ષણ સહિતના સર્વગ્રાહી વિકાસ માટે રાજ્ય સરકારે હરહંમેશ ચિંતા કરી છે અને શાળાના બાળકોને વધુ પોષણક્ષમ આહાર મળે તે માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ કરી છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતે કન્યા કેળવણી અભિયાનથી દીકરીઓના શિક્ષણ માટે દેશને નવો રાહ બતાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવથી દીકરીઓના ભણતરનો રેશિયો ખૂબ વધ્યો છે.તેના પરિણામે ડ્રોપઆઉટ રેટ 33 ટકાથી ઘટીને 0.97 ટકા થયો છે.
મુખ્યમંત્રીએ રાજ્યમાં સુદ્રઢ વીજવ્યવસ્થાપન થયું છે તેની ઝાંખી આપતા કહ્યું કે,24 કલાક સતત વિજળી મળતી રહે તે હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી“જ્યોતિગ્રામ યોજના”ના પરિણામે આજે 24 કલાક સતત થ્રી ફેઇઝ વિજળી રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ગામો સુધી મળી રહી છે. આ ઉપરાંત, વીજળી ઉત્પાદનની ક્ષમતા 8750 મોગાવૉટમાંથી વધીને લગભગ 53 હજાર મેગાવોટ થઈ છે તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.એટલું જ નહિ,ગેસ ગ્રીડ વોટરગ્રીડ અને ઇલેક્ટ્રીસિટી ગ્રીડનું નિર્માણ થયું હોય એવું દેશનું એક માત્ર રાજ્ય ગુજરાત છે એમ મુખ્યમંત્રીએ કહ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,ગુજરાતે પ્રો-એક્ટિવ ગવર્નન્સ સાથે કાર્યક્ષમ સરકારનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ દિશામાં વધુ પ્રગતિ માટે રાજ્ય સરકારે નીતિ આયોગની પેટર્ન પર ‘ગ્રિટ’-ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશનની રચના કરી છે તેમ ઉમેર્યું હતું.
આ ઉપરાંત વહિવટી સુધારણા પંચની રચના વિકસિત ગુજરાતના ધ્યેયને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એમ તેમણે જણાવ્યું હતું. રાજ્યના વૈશ્વિક સ્તરના વિકાસ અને ઉજ્જવળ ભાવિ માટે સતત ચિંતા કરીને રાજ્ય સરકારે ગુજરાતમાં એવી કાર્યશૈલી વિકસાવી છે કે,લોકમાગણી પહેલા જ સરકાર સામે ચાલીને એક્શન લેતી થઈ છે. એટલે જ,પ્રો-પીપલ અને પ્રોએક્ટિવ ગવર્નન્સની અનુભૂતિ સૌને થઈ છે એનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.
મુખ્યમંત્રીએ સંબોધનના પૂર્વાર્ધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યારે તેમની સમક્ષ ગુજરાતના કેવા પડકારો હતા અને આ પડકારો વિકાસની રાજનીતિથી પાછલા 23 વર્ષમાં પાર પાડીને વિકાસને નવી દિશા આપી તેની ઝાંખી ગૃહ સમક્ષ પ્રસ્તુત કરી હતી. ઉપરાંત પાછલા દસ વર્ષમાં વડાપ્રધાનના કાર્યકાળમાં દેશમાં અમલી યોજનાઓથી આવેલા પરિવર્તનોની વિગતો પણ ગૃહ સમક્ષ આપી હતી.
મુખ્યમંત્રીએ ગુજરાતે સ્થાયી અને વિકાસશીલ શાસન કેવું હોય તેનું ઉદાહરણ દેશને પૂરુ પાડ્યું છે તેનો ઉલ્લેખ કરતા હવે વિકસિત ભારત@2047 માટે વિકસિત ગુજરાતના નિર્માણનો નિર્ધાર પાર પાડવા માટે સૌ જનપ્રતિનિધિઓનો સહયોગ પણ મળશે એવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.