હેડલાઈન :
- કેન્દ્ર સરકારની વક્ફ સુધારા બિલ સંસદમાં રજૂ કરવા તૈયારી
- મોદી સરકાર વર્તમાન સત્રમાં વક્ફ સુધારા બિલ લાવવા સજ્જ
- કેટલાક સંગઠનો અને વિપક્ષો હજુ બિલનો કરી રહ્યા છે વિરોધ
- કેટલાક મુસ્લિમ સંગઠનો અને પક્ષો હવે બિલના સમર્થનમાં આવ્યા
- કેરળ કેથોલિક બિશપ્સ કાઉન્સિલનું વકફ સુધારા બિલને ખુલ્લુ સમર્થન
- KCBCએ રાજ્યના સાંસદોને આ બિલને સમર્થન આપવા પણ અપીલ કરી
- પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા કે.જે.આલ્ફોન્સે કહ્યું બિલ ખૂબ જ તાર્કિક
- વકફ સુધારા બિલ-2024 આ સત્રમાં જ સંસદમાં રજૂ કરવામાં આવશે : અમિત શાહ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વર્તમાન સત્રમાં વક્ફ સુધારા બિલ સંસદમાં લાવવા સજ્જ છે તેવા સમયે કોંગ્રેસ સહિત કેટલાક વિપક્ષો અને કેટલાક મુસ્લિમ સંગઠનો આ બિલનો વિરોધ કરી રહ્યા છે.તેવામાં કેટલાક સંગઠનો અને પક્ષો હવે બિલના સમર્થનમાં પણ આવી રહ્યા છે.ત્યારે કેરળ કેથોલિક બિશપ્સ કાઉન્સિલ એટલે KCBCએ વકફ સુધારા બિલને ખુલ્લેઆમ સમર્થન આપ્યું છે.તેમણે રાજ્યના તમામ સાંસદોને આ બિલને સમર્થન આપવા પણ અપીલ કરી છે.
– વકફ બિલને કેરળ કેથોલિક બિશપ્સ કાઉન્સિલનું સમર્થન
કેરળના તમામ બિશપના સંગઠન સાથે જોડાયેલા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા કે જે આલ્ફોન્સે કહ્યું કે આ બિલ ખૂબ જ તાર્કિક છે.જો તમે ભારતમાં વક્ફ બોર્ડના ઇતિહાસ પર નજર નાખો તો તમને ખબર પડશે કે તે સંપૂર્ણપણે અતાર્કિક હતું.આનો ફાયદો ફક્ત થોડા લોકોને જ થયો છે.આનાથી તે ફક્ત કોમી બોર્ડ ભરી રહ્યું છે. એટલા માટે અમારી સરકારે વકફ બોર્ડમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે જેથી તેમાં પ્રવર્તતી ભૂલોને દૂર કરી શકાય.
ભાજપના નેતા કે.જે .આલ્ફોન્સે મુનામ્બમમાં વક્ફ બોર્ડના મનસ્વી પગલાંનો ઉલ્લેખ કરતા કહ્યું કે બધી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી ખરીદવામાં આવેલી સેંકડો એકર જમીન પર વક્ફ બોર્ડ દ્વારા મનસ્વી રીતે દાવો કરવામાં આવ્યો છે. જો આ ચાલુ રહ્યું તો કાલે તેઓ સંસદ ભવન પહોંચી શકે છે અને તેને વકફ મિલકત હોવાનો દાવો કરી શકે છે. તેમણે કહ્યું કે મને લાગે છે કે હાલના વક્ફ બોર્ડમાં અનેક પ્રકારની વિસંગતતાઓ છે જેને સરકાર સુધારવાનો પ્રયાસ કરી રહી છે.
નોંધનિય છે કે અખિલ ભારતીય સૂફી સજ્જાદનાશીન કાઉન્સિલના અધ્યક્ષ અને અજમેર દરગાહના આધ્યાત્મિક વડાના ઉત્તરાધિકારી સૈયદ નસરુદ્દીન ચિશ્તીએ પણ વક્ફ સુધારા બિલને સમર્થન જાહેર કર્યુ છે.તેમણે કહ્યું કે તેમને વિશ્વાસ છે કે સુધારા પછી વકફના કામકાજમાં પારદર્શિતા આવશે અને વકફ મિલકતનું રક્ષણ થશે અતિક્રમણ દૂર થશે અને વકફનું ભાડું વધશે જે સમુદાય માટે ઉપયોગી થશે.તેમણે એમ પણ કહ્યુ કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ગંગા-જમુની સંસ્કૃતિ ધરાવતા દેશમાં રહીએ છીએ.વિવિધ સંસ્કૃતિના લોકો અહીં સાથે રહે છે અને આ આપણી તાકાત છે.
ઉલ્લેખનિય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં વકફ અંગે કહ્યું હતું કે વકફ સુધારા બિલ-2024 આ સત્રમાં જ સંસદમાં રજૂ કરવામાં આવશે.અમિત શાહે વિપક્ષ પર વક્ફ બોર્ડ અંગે દેશના મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો.
તો બીજી તરફ કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વકફ સુધારા બિલ પર કહ્યું, “કેટલાક લોકો કહી રહ્યા છે કે વકફ સુધારા બિલ ગેરબંધારણીય છે.વકફ નિયમો સ્વતંત્રતા પહેલાથી જ અસ્તિત્વમાં છે.આ બધી જોગવાઈઓ પહેલાથી જ અસ્તિત્વમાં છે.જો વકફ કાયદો સ્વતંત્રતા પહેલાથી જ અસ્તિત્વમાં છે તો તે ગેરકાયદેસર કેવી રીતે હોઈ શકે? સરકાર મુસ્લિમોની મિલકત અને અધિકારો છીનવી લેવા જઈ રહી છે એમ કહીને ભોળા મુસ્લિમોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.કેટલાક લોકો દ્વારા ફેલાવવામાં આવતી ખોટી અફવાઓ આપણા સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ જ હાનિકારક છે.હું દરેકને વિનંતી કરવા માંગુ છું કે કૃપા કરીને એવા નેતાઓને ઓળખો જે ખોટું બોલી રહ્યા છે.આ તે લોકો છે જેમણે CAA દરમિયાન દેશને ગેરમાર્ગે દોર્યો હતો.મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે ભારતમાં લઘુમતી સૌથી સુરક્ષિત છે અને લઘુમતીઓ ભારતમાં સ્વતંત્રતાના શ્રેષ્ઠ અધિકારોનો આનંદ માણે છે.
આમ હવે મહત્વના સંગઠનો અને કેટલાક પક્ષો હવે વક્ફ સુધારા બિલના સમર્થનમાં આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર માટે ધીમે ધીમે બિલ સંસદમા પસાર કરવાનો માર્ગ મોકળો થઈ રહ્યો છે.